વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાતી તોફાન ફેનીથી પ્રભાવિત ઓરિસ્સાના જુદા જુદા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ઓરિસ્સામાં ફેની ચક્રવાતના કારણે હાલમાં ભારે તબાહી થઈ છે. ટેકનોલોજીના કારણે માનવીય નુકસાન થયું નથી પરંતુ માળખાકીય રીતે ભારે નુકસાન થઈ ચુક્યું છે. આજે વડાપ્રધાને આ ભીષણ તોફાનનો સામનો કરવા માટે મુખ્યમંત્ર નવિન પટનાયક સહિત અહીંના લોકોની ભારે પ્રશંસા કરી હતી.
સાથે સાથે તેઓએ ૧૦૦૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત પણ કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આ ભીષણ તોફાનથી નુકસાન બાદ રાજ્યના લોકો ફરીથી ઉભા થવાના પ્રયાસ કરી રહ્યા છે. પ્રદેશમાં જનજીવનને પાટા પર લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પહેલા પણ ૩૮૧ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ આજે સવારે વડાપ્રધાન મોદી ભુવનેશ્વર પહોંચ્યા હતા.
ત્યારથી તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રી નવિન પટનાયક અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. હવાઈ નિરીક્ષણ દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યપાલ ગણેશીલાલ, મુખ્યમંત્રી નવિન પટનાયક, કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ રહ્યા હતા. ૧૦૦૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત બાદ વડાપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આ ભીષણ તોફાન દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે ખૂબ શાનદાર સંકલન રહ્યું હતું. તેઓ પોતે પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. આ ગાળા દરમિયાન જે રીતે ઓરિસ્સાના લોકોએ સરકારના નિર્દેશોનું પાલન કર્યું તે પ્રશંસાપાત્ર છે. મુખ્યમંત્રીની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે મુખ્યમંત્રી નવિન પટનાયકે ખૂબ શાનદાર આયોજન કર્યું હતું. કેન્દ્ર સરકાર તેમાં સાથે રહીને તમામ ચીજોને આગળ વધારી રહી હતી. પીએમઓના સૂત્રોનું કહેવું છે કે મોદી ઓરિસ્સાની જેમ જ બંગાળમાં પણ ચક્રવાતી તોફાન ફેની બાદ ઉભી થયેલી સ્થિતિને લઈને સોમવારના દિવસે સમીક્ષા બેઠક યોજવા માટે ઉત્સુક હતા. આના માટે ત્યાની સરકારને પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય સરકારે જવાબમાં કહ્યું હતું કે સરકારી અધિકારીઓ ચુંટણી ફરજમાં વ્યસ્ત થયેલા છે. જેથી સમીક્ષા બેઠક થઈ શકે તેમ નથી. સરકારી અધિકારીઓએ ફેની તોફાનથી ભારે નુકસાનની વાત કરી છે. એકલા ઓરિસ્સામાં ૩૮ લોકોના મોત થયા છે. તોફાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ વખતે ખૂબ ઓછું નુકસાન થયું છે. આના માટે હવામાન વિભાગના ખૂબ શાનદાર વોર્નિંગ સિસ્ટમ, લાખો લોકોની સફળત હિજરતને પણ જવાબદાર ગણવામાં આવે છે. તોફાન ત્રાટકે તે પહેલા જ ૧૧ લાખ લોકોને સુરક્ષિત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા. વોર્નિંગ સિસ્ટમ, લોકોને સુરક્ષિત રીતે ખસેડી લેવાની કામગીરી, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન અને મોટા પ્રમાણમાં એનડીઆરએફની ટીમની તૈનાતીના કારણે આ બાબત શક્ય બની હતી.