સાત ચરણની લોકસભા ચૂંટણીમાં આજે પાંચમા તબક્કા માટેનું મતદાન યોજાયુ હતુ. જે સવારે ૭ વાગ્યાથી શરૂ થયુ હતુ. સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું. આ ચરણમાં ૭ રાજ્યોની ૫૧ બેઠકો પર મતદાન થયુ હતુ. જેનું પરિણામ ૨૩ મેએ આવશે.
બિહારમાં ૫૬.૭૯ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૨.૯૬ ટકા, રાજસ્થાનમાં ૬૩.૦૩ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૩.૩૨ ટકા, પશ્ચિમ બંગાળમાં ૭૪.૦૬ ટકા, ઝારખંડમાં ૬૩.૯૯ ટકા, જમ્મુ અને કશ્મીરમાં ૧૭.૦૭ ટકા મતદાન નોંધાયું હતું.
પાંચમા રાઉન્ડમાં જાણીતા નેતાઓનું ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થઇ ગયું છે. એમાં કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, રાજ્યવર્ધન સિંહ રાઠોર, સ્મૃતિ ઈરાની, જયંત સિન્હા, અર્જુન રામ મેઘવાળ તેમજ કોંગ્રેસનાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. બસપાના અધ્યક્ષ માયાવતીએ પણ વોટિંગ કરીને લોકોને વધુમાં વધુ વોટિંગ માટે અપીલ કરી હતી. માયાવતીએ સિટી મોન્ટેસરી ઈન્ટર કોલેજ મતદાન મથકે જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો.યૂપીના અમેઠીમાં અનેક મતદાન કેન્દ્રો પર ઈવીએમ ખોટવાતા મતદાન શરૂ થઈ શક્યુ ન હતું. આ બાદ અમેઠીના જ મુસાફીરખાના ક્ષેત્રના દાદરા ગ્રામ સભામાં બૂથ નંબર ૨૮ પર ઈવીએમમાં ટેકનીકલ ખામી ઉભી થતા મતદાન અટવાયુ હતું. તંત્ર દ્વારા જલ્દી મતદાન શરૂ કરવા માટે આશ્વાસન પણ આપવામાં આવ્યું. અનેક વિસ્તારમાં ઈવીએમ ખોટવાતા મતદાન શરૂ થઈ શક્યુ ન હતું.હાજીપુરમાં ફરજી વોટિંગના મામલે પોલીસને લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો. પોલીસે કોઈ પણ કારણ વગર જ લોકો પર લાકડીનો વરસાદ કર્યો. અહીં રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસનો મુકાબલો મહાગઠબંધનના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શિવચંદ્ર રામ સામે છે.પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાની જેમ ફરી એકવાર પાંચમાં તબક્કાની ચૂંટણી હિંસક બની છે.
પશ્ચિમ બંગાળના બૈરકપુર અને હાવડામાં હિંસાની ઘટના સામે આવી છે. બૈરકપુરમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા થઈ છે. તો આ હિંસામાં ભાજપના ઉમેદવાર અર્જુનસિંહને ઈજા પણ થઈ છે. ભાજપના ઉમેદવાર અર્જુનસિંહે ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે.
તો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અર્જુનસિંહે સવાલ ઉઠાવ્યા છે.
પાંચમા રાઉન્ડમાં ઉત્તર પ્રદેશની ૧૪, રાજસ્થાનની ૧૨, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં ૭-૭, બિહારમાં પાંચ અને ઝારખંડમાં ચાર અને જમ્મુ-કશ્મીરમાં બે સીટ પર મતદાન થશે. આજે જે ૫૧ મતવિસ્તારોમાં ચૂંટણી યોજાઇ હતી તેમાંની ૩૬ સીટ પર ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે જ્યારે એણે ૨૦૧૪ની ચૂંટણીમાં જે બે સીટ જીતી હતી એ ખાલી પડી છે. તૃણમુલ કોંગ્રેસ સાત સીટ પર જ્યારે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટી એક-એક સીટ પર કબજો ધરાવે છે.