તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ પ્રસાદી સ્થાન ગઢપુર ગઢડા(સ્વામીના) મુકામે વિદ્યમાન શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની વહીવટી કમિટીની ચૂંટણી ભારે ચકચાર અને અનેક વાદ વિવાદના અંતે મતગણતરી બાદ સંપન્ન જાહેર થવા પામેલ છે. છેલ્લા કેટલાક દિવસોથી હાઇ વોલ્ટેજ ડ્રામા સમાન બની ગયેલી આ ચૂંટણી બાબતે લોકોમાં અને સત્સંગ સમાજમાં ભારે અસમંજસ અને લોકચર્ચાઓ ચાલી રહી હતી. મુખ્યત્વે આ ચૂંટણીમાં વડતાલ મંદિરના સતાધારી ગૃપ અને રાકેશપ્રસાદજીના સમર્થકો દેવ પક્ષ તથા ગઢડા(સ્વામીના) અને જૂનાગઢ ટેમ્પલ બોર્ડનો વહિવટ સંભાળતા અજેન્દ્રપ્રસાદજીને આચાર્ય તરીકે માનતા સમર્થકો આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી દરમિનાય ત્યાગી વિભાગમાંથી ૩ ઉમેદવારો અને ગૃહસ્થ વિભાગમાંથી ૪ ઉમેદવારો મળી કુલ સાત ઉમેદવારો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન ૭૦ ટકા જેટલા મતદાન અને જબ્બર ખેંચતાણ ના અંતે ચૂંટણી પરિણામો માટે લોકોની મીટ મંડાઇ હતી. જે મતગણતરી વહેલી સવારે ૮ વાગે ગઢડા ખાતે કન્યા વિદ્યાલયમાં શરૂ કરવાના બદલે બે કલાક મોડી શરૂ થવા પામી હતી. ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવેલી આ મતગણતરીના પરિણામો છેલ્લી ઘડી સુધી મત ગણતરી રૂમની બહાર નહી આવવા દેવા સહિતની તકેદારી રાખી છેલ્લે મોડી સાંજે ચૂંટણી અધિકારી એસ.એમ. સોની દ્વારા પરિણામોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આ મતગણતરીના અંતે આચાર્ય પક્ષના એક બ્રહ્મચારી બિનહરીફ તથા ચૂંટણી દરમિયાન એક પાર્ષદ રમેશભગત તથા ગૃહસ્થ વિભાગના એક ઉમેદવાર અને દેવ પક્ષના સાધુ વિભાગના એક ઉમેદવાર તથા ગૃહસ્થ વિભાગના ત્રણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આમ આ પરિણામોના અંતે દેવ પક્ષના ફાળે ચાર ઉમેદવારો અને આચાર્ય પક્ષના ફાળે ત્રણ ઉમેદવારો જાહેર થતા દેવ પક્ષનું પલડુ વધારે એક ઉમેદવાર ની જીત થી ભારે થવા પામ્યુ હતુ. આ ચૂંટણીના અંતે છેલ્લા ૨૦ કરતા વધારે વર્ષોથી શાસન ચલાવી સત્સંગ સમાજમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીના સમર્થક તરીકે લડાયક મીજાજી સાધુ તરીકેની છાપ ધરાવતા એસ.પી. સ્વામી ગૃપમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જ્યાંરે છેલ્લા કેટલાય વર્ષોથી ગઢડા મંદિરનું શાસન કબ્જે કરવાના મનસૂબા ધરાવતા રાકેશ પ્રસાદ સમર્થકોમાં આનંદની લહેર ફેલાવા પામી હતી. આ પરિણામોની જાહેરાત બાદ ભારે આતશબાજી વચ્ચે જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ ચૂંટણીના અંતે આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી દ્વારા ચૂંટણી પ્રક્રીયામાં મતદારોના નામ ઉમેદરવાથી માંડીને મતગણતરી પ્રક્રીયામાં અને ગેરરીતીઓ થઇ હોવાના આક્ષેપ કરી આ પરિણામો સુપ્રિમ કોર્ટમાં પડકારવાનો નિર્દેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મતગણતરી દરમિયાન ખૂબજ સામાન્ય મતથી થયેલી હારજીત અને રિજેકટ થયેલા ૧૮૫ મતો અને ૯ જેટલા ચેલેન્જ મત મુદ્દે આચાર્ય પક્ષ દ્વારા રીકાઉન્ટીંગની માંગણી કરવામાં આવતા આ માંગણી નહી સ્વિકારવામાં આવી હોવાનુંરૂ એસ.પી. સ્વામી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
સાધુ વિભાગમાંથી એસ.પી. સ્વામીનો પરાજ્ય
આ ચૂંટણીના મુખ્ય સૂત્રધાર અને વહિવટકર્તા એસ.પી. સ્વામી ત્યાગી વિભાગમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. જેની સામે દેવ પક્ષના સાધુ હરિજીવનદાસજી ચૂંટણી લડી રહ્યા હતા. મતગણતરી દરમિયાન સાધુ વિભાગમાંથી હરીજીવનદાસજીને ૧૧૨ મત તથા એસ.પી. સ્વામીને ૩૦ મત મળતા દેવ પક્ષના સાધુ વિજેતા જાહેર કવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાધુ વિભાગમાંથી એસ.પી. સ્વામી ગત ચૂંટણીમાં પણ પરાજીત થયા હતા.
ચૂંટણીમાં મિડીયા સંકલન માટે કોઇ વ્યવસ્થા નહીં
હજ્જારો લોકો ની આતુરતા ઉપર તરાપ આ ચૂંટણી દરમિયાન મિડીયા સંકલન માટે કોઇજ વ્યવસ્થા હાથ ધરવામાં નહોતી આવી. તેમજ ઇલેક્ટ્રીક અને પ્નિન્ટ મિડીયાના પત્રકારો વહેલી સવારથીજ આ મતગણતરી માટે આવી પહોચ્યા હતા. આ ચૂંટણી સમગ્ર સતસ્ગ સમાજ માટે ભારે ચર્ચાનું કેન્દ્ર અને આતુરતાનું એ.પી. સેન્ટર બનવા પામી હતી. ત્યાંરે આ ચૂંટણીના પરિણામો સહિતની વિગતો મોડી સાંજે ૭-૩૦ કલાક સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં નહી આવતા અને મતગણતરી દરમિયાન પણ મિડીયાને દૂર રાખવામાં આવતા ભારે અસંતોષ ફેલવા પામ્યો હતો.