દહેગામના હરસોલી ગામે રહેતા બે પ્રૌઢ પાણીની ટેન્કર સાથે જોડેલુ ટ્રેક્ટર લઇ નર્મદા કેનાલના સાયફન નજીકના ઢાળ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ટ્રેકટર પલટી ખાઇ ગયુ હતુપલટી ખાઇ ગયેલુ ટ્રેકટર ઢાળમાં ઉધુ વળી જતાં ટ્રેકટરના ચાલક અને તેમા સવાર બંનેના દબાઇ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.
બનાવની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી મૃતદેહ બહાર કાઢી દહેગામના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે લઇ આવ્યા હતા. બહિયલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચીને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હરસોલી ગામે રહેતા ૫૭ વર્ષિય નવલસિંહ અમરસિંહ ચૌહાણના કૌટુબિંક સગાને ત્યાં બાબરીનો પ્રસંગ હોવાથી તેમને પાણીની જરૂર હતી. જેથી તેઓ ગામના વદનસિંહ દોલસિંહ ચૌહાણનું ટ્રેકટર લાવ્યા હતા. જે ટ્રેકટરમાં નવલસિંહે પાણીનું ટેન્કર જોડ્યુ હતુ.
હરસોલી ગામના જ ૪૮ વર્ષિય અમરસિંહ દોલસિંહ ચૌહાણને બેસાડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના સાયફત પાસે ઢાળમાંથી પસાર થઇ રહ્યા હતા.
તે સમયે અચાનક ટ્રેકટર પલટી ખાઇ જવા સાથે ટેન્કર છુટુ પડી ગયુ હતુ. ટ્રેકટર ઢાળ પાસેના ખાડામાં ઉધુ વળી ગયુ હતુ અને નવલસિંહ તેમજ અમરસિંહ ટ્રેકટર નીચે દબાઇ જતા બન્નેના કરૂણ મોત થયા હતા. આ બનાવથી શોકનું મોજુ ફરી વળ્યુ છે. બન્ને મૃતક હરસોલીના બસ સ્ટેન્ડ પાસે ખાણી પીણીની પરચૂરણ ચીજોનો ગલ્લો મુકીને રોજગારી રળતા હતા. મૃતક નવલસિંહ ૨ પુત્ર અને એક પુત્રીના પિતા હતા. જ્યારે અમરસિંહ બે પુત્રના પિતા હતા. બે વ્યક્તિના અકસ્માતે મૃત્યુ થતા ગામમાં શોક છવાયો હતો.