પીંપળજમાં લગ્ન પ્રસંગે પાણીપુરી ખાધા બાદ વીસેક વ્યક્તિને ફુડ પોઇઝનીંગ થતાં સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરીને સારવાર અપાઇ હતી. ફુડ પોઇઝનીંગની જાણ થતાં જ જિલ્લા આરોગ્યની સર્વેલન્સની ૧૨ ટીમો ગામમાં ઉતારીને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરીને ઓઆરએસના પેકેટ સહિતની દવાઓનું વિતરણ કરાયું હતું.
ખોરાકી ઝેરની અસરનો પ્રથમ કિસ્સો પીંપળજ ગામમાં બન્યો હતો. વાઘેલા પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ભોજનમાં અન્ય વાનગીઓની સાથે કેરીનો રસ ઉપરાંત પાણી પુરી રાખી હતી.
પાણી પૂરી ખાધા બાદ ગામની વીસેક વ્યક્તિને ફુડ પોઇઝનીંગથી ઝાડા-ઉલટીની અસર થઇ હતી.
ફુડ પોઇઝનીંગની જાણ થતાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.યોગીતા તુલસીયને તાત્કાલિક અસરથી ગામમાં ૧૨ ટીમો ઉતારીને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરીને ક્લોરીનની ૫૦૦ ટેબલેટ તેમજ ઓઆરએસના પેકેટ આપ્યા હતા. ઉપરાંત સ્થળ ઉપર જ સારવાર આપી હતી. ફુડ પોઇઝનીંગની અસર અન્ય વ્યક્તિઓને થાય નહી તે માટે તમામ રાંધેલા ભોજનનો નાશ કરીને સેમ્પલ લીધા હતા.
પીંપળજ ગામમાં આવેલા પાર્લર તેમજ પાનના ગલ્લાઓમાં વેચાતા ઠંડા પીણાની તપાસ કરીને દુકાનદારોને દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું હતું. અન્ય ઘરે પણ લગ્ન પ્રસંગ હતો, જ્યાં માત્ર સાદુ ભોજન આપવા જણાવ્યું હતું અને તે પરિવારે રોગચાળા નિયંત્રણ અધિકારીની વાત સ્વિકારી હતી.
સર્વેલન્સ કરતા છ વ્યક્તિઓને ઝાડાની અસર થઇ હતી. જ્યારે બે વ્યક્તિઓને ઉલટીની અસર થઇ હોવાનું રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું.