EVM મુદ્દે ૨૧ પક્ષોની અરજી સુપ્રીમે ફગાવી

610

દેશની સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેના ભાગરૂપે ઇવીએમ મુદ્દે ૨૧ પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી સાથે સાથે પોતાના અગાઉના આદેશમાં કોઇ સુધારો કરવાનો પણ ઇન્કાર કર્યો  હતો.સુપ્રીમ કોર્ટે ઇવીએમ સાથે વીવીપેટ સ્લીપને મેચ કરવાની માંગ કરતી તમામ દલીલોને ફગાવી દીધી હતી. વિરોધ પક્ષો દ્ધારા અરજી કરીને કેટલીક તર્કદાર દલીલો કરી હતી. સુપ્રીમ કોર્ટે હતુ કે તે પોતાના અગાઉના આદેશમાં કોઇ સુધારો કરવા માટે તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે અગાઉ દરેક વિધાનસભાના પાચ બુથોના ઇવીએમને વીવીપેટ સાથે જોડાણને લઇને મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ આપ્યો હતો. આ આદેશમાં આજે કોઇ સુધારો કરવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો. આ અરજીને ટીડીપી અને કોંગ્રેસ સહિત ૨૧ વિપક્ષી પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.આ પક્ષની માગણી છે કે ૫૦ ટકા વીવીપેટ સ્લીપને ઈવીએમ સાથે મેચ કરવાનો આદેશ ચૂંટણી પંચને આપવામાં આવે. સુનાવણી દરમિયાન ચંદ્રબાબૂ નાયડુ, ડી.રાજા. સંજય સિંહ અને ફારુક અબ્દુલા કોર્ટમાં હાજર હતા. અરજી ફગાવી દેવા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, કોર્ટમાં એકની એક વાતની વારંવાર સુનાવણી કેમ કરવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે, અમે આ મામલે દખલગીરી કરવા નથી માગતા. નોંધનીય છે કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં પાંચ બૂથના ઈવીએમ અને વીવીપેટની સ્લીપની સરેરાશ મેચ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે આ વાતને માની પણ લીધી હતી. સુપ્રીમ કોર્ટે આ લોકસભા ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટને મેચ કરવામાં પાંચ ગણો વધારો કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, દરેક ચૂંટણી ક્ષેત્રમાં ૫ વીવીપેટને ઈવીએમ સાથે મેચ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર એક વીવીપેટ મશીન મેચ કરવામાં આવતું હતું.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુએ કહ્યું કે, જ્યારે ચૂંટણી પંચે તેમની વાત ન સાંભળી ત્યારે તેઓ સુપ્રીમ કોર્ટ આવ્યા હતા પરંતુ હવે તેઓ ફરી ચૂંટણી પંચ પાસે જશે. તેમણે કહ્યું કે, ત્રીજા ફ્રન્ટ અને ચોથા ફ્રન્ટ દરેક વિપક્ષનો જ હિસ્સો છે. અમે પીએમ ઉમેદવારનું નામ ચૂંટણી પછી નક્કી કરીશું. બીજી બાજુ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, જો હવે પરિણામમાં કોઈ ભૂલ આવશે તો ચૂંટણી પંચે કોઈ નિયમ જાહેર કર્યા નથી. અમે તેથી જ કોર્ટ આવ્યા હતા. હવે આ મુદ્દે વિપક્ષી નેતા આજે જ ચૂંટણી પંચને મળશે. નોંધનીય છે કે અત્યાર સુધી ચૂંટણી પંચ ૪૧૨૫ ઈવીએમ અને વીવીપેટ મેચ કરતું હતું જે હવે સુપ્રીમ કોર્ટના આદેશ પછી વધીને ૨૦૬૨૫ ઈવીએમ અને વીવીપેટ મેચ કરવાના થશે. વર્તમાનમાં વીવીપેટ પેપેર સ્લીપ મેચ કરવા માટે દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ માત્ર એક ઈવીએમ વીવીપેટ સાથે મેચ કરવામાં આવતુ હતું. દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ એક ઈવીએમ મશીન એટલે અત્યાર સુધી કુલ ૪૧૨૫ ઈવીએમ વીવીપેટ સાથે મેચ કરવામાં આવતા હતા. પરંતુ હવે કોર્ટના આદેશ પછી એક વિધાનસત્રા ક્ષેત્ર દીઠ પાંચ ઈવીએમ લેખે ૨૦૬૨૫ ઈવીએમ અને વીવીપેટ મેચ કરવામાં આવશે. જ્યારે ૨૧ વિપક્ષી પાર્ટીઓએ સરેરાશ ૬.૭૫ લાખ ઈવીએમની વીવીપેટ સાથે સ્લીપ મેચ કરવાની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડુ (ટીડીપી), શરદ પવાર (એનસીપી), ફારુક અબ્દુલા (એનસી), શરદ યાદવ (એલજેડી), અરવિંદ કેજરીવાલ (આપ), અખિલેશ યાદવ (સપા), ડેરેક ઓબ્રાયન (ટીએમસી) અને એમ.કે. સ્ટાલિન (ડીએમકે) દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તેમણે કોર્ટને આગ્રહ કર્યો હતો કે ઈવીએમના ૫૦ ટકા પરિણામને લોકસભાના પરિણામ જાહેર કરતાં પહેલાં વીવીપેટ સાથે મેચ કરવા જોઈએ અથવા તેની ફરી તપાસ થવી જોઈએ.

Previous articleઅભિમાન તો ‘દુર્યોધન’નું પણ તૂટી ગયું હતું તો ‘મોદી’ શું ચીજ છેઃ પ્રિયંકા ગાંધી
Next articleહવે અમે ફરીથી ચૂંટણીપંચ પાસે જઇશુ : ચંદ્રબાબૂ નાયડુ