આઈપીએસ અધિકારી દ્વારા ઈન્ટરનલ માર્ક અંગે ફરિયાદ

770

સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટેટ એજ્યુકેશન (સીબીએસઇ) ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ ગઇકાલે તા.૬ મેના રોજ જાહેર થયું છે ત્યાં ગુજરાત કેડરના આઈપીએસ અને અમદાવાદ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (વહીવટ)એ સ્કૂલો દ્વારા આપવામાં આવતા ઈન્ટરનલ માર્કસ પર સવાલો ઉભા કરી સીબીએસઈના ચેરમેન અનિતા કરવાલને ફરિયાદ કરી છે. જેને પગલે રાજયના શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે. ડો.વિપુલ અગ્રવાલે ઈ-મેલથી કરેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે, કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસ આપવામાં ભેદભાવ રાખવામાં આવે છે. આ મામલે સીબીએસઈએ ઈન્ટરનલ માર્કસના સીસ્ટમની તપાસ કરી જે પણ સ્કૂલોમાં ઈન્ટરનલ માર્કસમાં સામ્યતા જોવા મળે તેની માન્યતા રદ કરવામાં આવે. અમદાવાદ શહેરના જેસીપી વિપુલ અગ્રવાલની એક ટિ્‌વટે આજે તમામનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રચના સ્કૂલ સામે સીબીએએસઇમાં ફરિયાદ કરવામાં આવી છે. અગ્રવાલની પુત્રીએ સીબીએસઈની ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૯.૬૦ ટકા માર્કસ મેળવ્યા છે, ત્યારે અગ્રવાલે આજે સીબીએસઇને એક પત્ર લખીને રોષ ઠાલવ્યો છે. અગ્રવાલે સ્કૂલ તરફથી તેમની દીકરીને આપવામાં આવેલા પ્રેક્ટિકલ માર્ક્સમાં વાંધો પડ્‌યો છે. આ મામલે તેમણે એક ટિ્‌વટ પણ કર્યું છે. અમદાવાદના જેસીપી વિપુલ અગ્રવાલે ટિ્‌વટ બાદ જણાવ્યું હતું કે, સીબીએસઈની સ્કૂલને પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની મંજૂરી ન હોવી જોઈએ. પ્રેક્ટિકલ માર્કસ આપવાની પદ્ધતિથી ઘણા ખરા વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે. આઇપીએસ વિપુલ અગ્રવાલે લખેલા પત્રમાં લખ્યું છે કે, મારી પુત્રી સત્વિકા અગ્રવાલ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી રચના સ્કૂલ ખાતે અભ્યાસકરે છે.

તેણે ચાલુ વર્ષમાં ધોરણ-૧૦ની પરીક્ષા આપી હતી. તેણીએ પરીક્ષામાં ૪૪૮/૫૦૦ માર્ક્સ મેળવ્યા છે. અગ્રવાલે પોતાની ટિ્‌વટમાં દીકરીની માર્કશીટ પણ જોડી છે.

અગ્રવાલે સ્કૂલ તરફથી આપવામાં આવતા પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની પદ્ધતિ સામે રોષ ઠોલવતા જણાવ્યું કે, દીકરીને સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં અંગ્રેજી વિષયમાં ૧૭, હિન્દીમાં ૧૭, ગણિતમાં ૧૫, વિજ્ઞાનમાં ૧૭, સામાજિક વિજ્ઞાનમાં ૧૮ માર્ક્સ આપવામાં આવ્યા છે. સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં આઈપીએસની દીકરીને કુલ ૮૪ ટકા માર્ક્સ પ્રાપ્ત થયા છે. જ્યારે લેખિત પરીક્ષામાં તેણીએ ૯૧ ટકા માર્ક્સ મેળવ્યા છે. સરવાળે તેણીનું પરિણામ ૮૬.૬૦ ટકા થાય છે. દીકરીએ જેટલા માર્ક્સ થિયરીમાં મેળવ્યા છે તેની સરખામણીમાં સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનના માર્ક્સ ઓછા આપવામાં આવ્યા છે. તેના લીધે દીકરીનું પરિણામ ઓછું આવ્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે જ આઈપીએસ અધિકારી તરફથી આંતરિક મુલ્યાંકન પદ્ધતિને તાત્કાલિક અથવા તબક્કાવાર રદ કરવાની માંગણી કરી છે. સાથે જ આંતરિક મુલ્યાંકન બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાની પણ માંગણી કરવામાં આવી છે. તેમણે ફરિયાદમાં સીબીએસઈ બોર્ડે સ્કૂલોને ગ્રેડિંગ સીસ્ટમ આપવા બાબતે જે આઝાદી આપી છે તેના પર વાંધો ઉઠાવ્યો છે. આવી રીતે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ સાથે પક્ષપાત અને પૂર્વગ્રહ રાખવામાં આવે છે. જેનો કેટલાક વિદ્યાર્થીઓને લાભ મળે છે જ્યારે કેટલાક સાથે અન્યાય થાય છે.  આ અંગે તેમણે સીબીએસઈને પણ કેટલાક લેખિતમાં સલાહ સૂચન આપ્યા છે.

Previous articleઇન્ડીયન એરફોર્સના પૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક કોંગ્રેસમાં જોડાયા
Next articleસુર્યાસ્તે ગ્રામ્ય પનિહારીઓ….