સારણગાંઠ (હર્નીયા)ની સારવાર

1745

ખાસ કરીને પેટ અને સાથળનાં સાંધા આગળની જગા ઉપસે તે ભાગને સારણગાંઠ કહે છે. હકિકતમાં આ ગાંઠ શબ્દ ખોટી રીતે પ્રચલિત થયો છે. તેમાં કોઇ ગાંઠ હોતી જ નથી. પરંતુ આ ફુલેલા ભાગમાં આંતરડાનો કોઇ ભાગ (જેને ઓમેન્ટમ કહે છે) હોય છે. કોઇકવાર અપવાદરૂપે મુત્રકોથળી કે પેટનાં બીજા કોઇ અવયવો આ ફુલેલા ભાગમાં જોવા મળે છે.

સારણગાંઠ મોટેભાગે સાથળનાં સાંધા તથા પેટના નીચેના ભાગમાં જોવા મળે છે. પરંતુ જવલ્લે તે ડુંટી (અમ્બેલીક્સ) પાસે જોવા મળે છે. (ખાસ કરીને બાળકોમાં).

આ ફુલેલા ભાગયા સોજો ખાંસી ખાવાથી, દોડવાથી કે ઝાડે જતી વખતે જોર કરવાથી વધે છે. અને સુઇ જવાથી સોજો ઓછો થઇ જાય છે. અથવા તદ્દન દેખાતો નથી.

જો આ ફુલેલા ભાગમાં રહેલ આંતરડું વગેરે ફુલેલા ભાગની કોથળી (હર્નીયા સેક) સાથે ચોંટી જાય તો એ ભાગ હંમેશા ઉપસેલો  રહે છે. જેને ઇરરીડ્યુસીલ હર્નીયા અથવા કાયમી ગોઠ કહે છે.

સારણગાંઠ કોઇપણ ઉંમરે થઇ શકે છે. આ એક જાતની કુદરતી ખોટ કહી શકાય. નાની ઉંમરે થતા હરનીયાનું ઓપરેશન જેમ બને તેમ જલ્દી કરાવી લેવું સારૂં મોટી ઉંમરે થતાં હરનીયા માટે અનિયમિત જીવન, જાડું શરીર (સ્થુળતા), બેઠાડું જીવન, ખાંસી, ધુમ્રપાન, કબજીયાત વગેરે કારણો જવાબદાર હોય છે.

લક્ષણો : જ્યારે સારણગાંઠ મોટી થાય છે ત્યારે ચાલવાની તકલીફ, પેડુમાં બળતરા, ઝાડો પેશાબ વખતે તકલીફ વગેરે જોવા મળે છે. કોઇવાર એકાએક આંતરડું વધુ પડતું નીચે ઉતરી આવે તો તે પેટમાં પાછું જઇ શક્તું નથી. અને આ સારણગાંઠ તીવ્ર વેદના તથા પેટનો સોજો ઉત્પન્ન કરે છે. ઉલ્ટી થાય છે. ઘણીવાર ઝાડો પેશાબ બંધ થઇ જાય છે. આવા કેસમાં તુરંત જ શસ્ત્રક્રિયા (ઇમરજન્સી ઓપરેશન) કરાવવું જરૂરી છે. આ જાતની પરિસ્થિતિ મોટે ભાગે પુરૂષોમાં જોવા મળે છે. અને શસ્ત્રક્રિયામાં થોડો પણ વિલંબ પ્રાણઘાતક પૂરવાર થાય છે. સ્ત્રીઓમાં આવી પરિસ્થિતિ જવલ્લેજ જોવા મળે છે.

સારવાર : કોઇપણ દવાથી હરનીયા મટતું નથી. શસ્ત્રક્રિયા એ જ માત્ર એક સારવાર છે. ઓપરેશન જરાપણ જોખમી નથી. સર્જનની સલાહ મુજબ યોગ્ય સમયે ઓપરેશન કરાવી લેવું જરૂરી છે. પટ્ટો (ટ્રેસ) વગેરે કામચલાઉ ઉપાય છે. પરંતુ ઓપરેશનની બદલે તે ન ચાલે.

 

કોલેરા વિશે ટૂંકમાં…

કોલેરા સૌથી વધુ ચેપી અને ઝડપથી ફેલાતો રોગ છે. વીબ્રીસો કોલેરા નામના જીવાણુઓથી થતો આ રોગ પાણી, દૂધ અને અન્ય પીણાઓ મારફત ફેલાય છે.

લક્ષણો : શરૂઆતમાં ચોખાના ધાવણ જેવા સફેદ ઝાડા તથા ઉલ્ટી થાય છે. દર્દી ખૂબ જ નબળો પડે છે. આંખો ઉંડી ઉતરી જાય છે. જીભ સુકાય છે. બ્લડપ્રેશર ઘટે છે. નાડીના ધબકારા વધે છે. શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબજ ઘટી જાય છે. જેને ડીહાઇડ્રેશન કહે છે. જેને લીધે રેનલ ફેઇલ્યોર (કીડની કામ કરતી બંધ થવી) થવાથી ઘણા દર્દી મૃત્યુ પામે છે.

સારવાર : તાત્કાલીક શરૂ કરવી. હોસ્પીટલમાં દાખલ કરી સેલાઇનના બાટલા અને દવાઓ વગેરે તબીબી સલાહ પ્રમાણે શરૂ કરવા, પ્રવાહી ખૂબ પીવું.

રોગ ન થાય અને ન ફેલાય તે માટે…

(૧) આ રોગની જાણ આરોગ્ય ખાતાને કરવી. જે ફરજીયાત છે. (૨) દર્દીનો આયસોલેટ કરવો. (અલગ રાખવો). (૩) દર્દીના ઝાડા, ઉલ્ટી વગેરેને તુરત જ નાશ કરવો, તેમાં જંતુનાશક દવાઓ નાખવી. બાળી નાખવા કે દાટી દેવા. (૪) દર્દીના વાસણ, કપડા લત્તા તેના સંસર્ગમાં આવતી વસ્તુઓને જળાશયો કે કુવા પાસે ન ધોવા. (૫) પાણી ઉકાળીને પીવું. (૬) પાણીમાં ક્લોરીન ગોળી કે જંતુનાશક દવા નાખી શુદ્ધ કરવું. (૭) બહારની ઉઘાડી વસ્તુ, ઠંડા પીણા, વધુ પાકેલા ફળો વગેરે ન ખાવા. (૮) રોગના વાયરા ચાલતા હોય ત્યારે રોગ વિરોધી રસી મુકાવવી. (૯) સ્વચ્છતા માટે અને આ રોગવિરોધી પ્રચાર માટે આરોગ્ય સંસ્થાને સહકાર આપવો.

Previous articleગીરના ૮ સિંહોને યુપીના ઝૂમાં મોકલાશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે