બ્રહ્મસમાજનાં આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે આજે ભાવનગર શહેરમાં પરશુરામજીની અલગ અલગ બે શોભાયાત્રા નિકળી હતી. જેમાં બાઇક સહિત વાહનો સાથે ભાવનગરનાં ભૂદેવો મોટી સંખ્યામાં જય પરશુરામનાં નાદ સાથે જોડાયા હતા. પ્રથમ શોભાયાત્રા સવારે ૮ કલાકે આખલોલ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન થયેલ. જે માર્કેટીંગ યાર્ડ, મસ્તરામબાપા મંદિર ચિત્રા, ગાયત્રી મંદિર, દેસાઇનગર, ગઢેચી વડલા, આરટીઓ, નિલમબાગ સર્કલ, સર.ટી.હોસ્પીટલ, કાળાનાળા, સંત કંવરરામ ચોક, માધવ દર્શન, કાળીયાબીડ, વિરાણી સર્કલ, ટોપ થ્રી સર્કલ, કામીનીયાનગર, દુઃખીશ્યામબાપા સર્કલ, ભરતનગર, ભવાની મંદિર ખાતે સમાપન થયેલ જ્યારે સાંજે રાજુ ઉપાધ્યાય પ્રેરીત પરશુરામ યાત્રા સરદારનગર ખાતેથી નિકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં મંત્રી વિભાવરીબેન દવે સહિત બ્રહ્મસમાજનાં આગેવાનો ભાઇઓ-બહેનો જોડાયા હતા. ઠેર ઠેર પરશુરામ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.