JEE એન્ટ્રન્સની માર્કશીટમાં ૭ દિવસમાં એક જ વિદ્યાર્થીનું અલગ-અલગ પરિણામ દર્શાવાયું

614

જેઈઈ એન્ટ્રન્સની માર્કશીટ માં ૭ જ દિવસમાં એક જ વિદ્યાર્થીને જુદું જુદું પરિણામ દર્શાવાયું હતું. પરિણામ આવ્યું ત્યારે ૩૦ એપ્રિલે ગાંધીનગરના વિદ્યાર્થી મનન ત્રિવેદીએ પરિણામ ઓનલાઈન જોયું ત્યારે ૯૦.૧૦ ટકા દર્શાવ્યા હતા. આ પછી જેઈઈ એડવાન્સની પરીક્ષાનું ફોર્મ ૬ મેએ ભરવા જતાં સમયે માર્કશીટ જોતાં તેમાં ૫૪.૦૭ ટકા હતા.

ધોરણ-૧૨ સાયન્સ પછી એન્જિનિયરિંગ, આર્કિટેક સહિતના ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટે જેઈઈની એન્ટરન્સ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એન્ટરન્સ પરીક્ષા ધો.૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જાન્યુઆરી-૨૦૧૯ અને એપ્રિલ-૨૦૧૯માં એમ બે વખત લેવાઈ છે. જેઈઈની એન્ટરન્સ પરીક્ષા ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ વિષયની લેવામાં આવે છે. જેઈઈની એન્ટરન્સની બીજી પરીક્ષા એપ્રિલમાં લેવાઇ હતી. તેનું પરિણામ ૨૯મી એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરાયું હતું. આ પરીક્ષા ઇન્ફોસિટી જુનિયર સાયન્સ સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતા મનન ત્રિવેદીએ આપી હતી. પરિણામ પ્રસિદ્ધ થતાં તેના પરિવારના સભ્યએ બી.કે. ત્રિવેદીએ ઓનલાઇન માર્કશીટ જોઇને તેની પ્રિન્ટ કાઢી હતી. ઓનલાઇન માર્કશીટ જોતા તેમાં ત્રણ વિષયના એપ્રિલ-૨૦૧૯ પરીક્ષાની ટકાવારી ૯૦.૧૦ દર્શાવી હતી.

વિદ્યાર્થી જેઈઈની એડવાન્સ ની પરીક્ષાનું ફોર્મ ભરવા ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજમાં ગત તારીખ છ મે ના રોજ ગયા હતા. ત્યારે ત્યાં ઓનલાઇન માર્કશીટ જોતાં તેમાં જાન્યુઆરીની પરીક્ષાની ટકાવારીમાં કોઇ જ ફેરફાર થયો ન હતો. પરંતુ એપ્રિલની પરીક્ષાની ટકાવારી ૫૪.૦૭ દર્શાવેલી હોવાથી વિદ્યાર્થી મુંઝવણમાં મુકાયો હતો. જો કે, હજુ પણ આ બાબતે સ્પષ્ટતા નહીં હોવાના કારણે વિદ્યાર્થીને વધુ મુશ્કેલી હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleઅક્ષય તૃતિયા જિલ્લાના વાહનોની ધૂમ ખરીદી
Next articleઅલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા ધાનાણી સહિત ૧૦ કોંગી સ્ન્છ વિધાનસભા અધ્યક્ષને મળ્યા