રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના હવાલાથી પોતાના ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદનને લઇ ચાલી રહેલ કેસમાં અવમાનન અરજીના સિલસિલામાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની કોઇપણ પ્રકારની શરત વગર માફી માંગી લીધી છે. કેસની શુક્રવારની રોજ સુનવણી થવાની છે પરંતુ તેની પહેલાં જ બુધવારના રોજ એટલે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ૩ પાનાની નવી એફિડેવિટ રજૂ કરી પોતાના નિવેદન પર કોઇપણ પ્રકારની શરત વગર માફી માંગી લીધી છે. તેમણે કહ્યું કે અજાણતા તેમણે કોર્ટના હવાલે ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન આપી દીધું, તેમનો એવો ઇરાદો નહોતો. આની પહેલાં પણ રાહુલ ગાંધી બે એફિડેવિટ દાખલ કરી હતી. તેમણે નિવેદન પર માફી માંગી નહી, પરંતુ ખેદ વ્યકત કર્યો હતો. ત્યરબાદ સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવતા બિન શરતી માફી માંગવી પડી છે. હવે આ મામલે ૧૦ મેના રોજ સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના હવાલાથી કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ’ચોકીદાર ચોર હૈ’.
સુપ્રીમ કોર્ટે ૩૦ એપ્રિલે રાહુલ ગાંધીને પોતાની ટિપ્પણીઓ વિશે વધુ એક એફિડેવિટ દાખલ કરવા માટે છેલ્લી તક આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષે પોતાના વકીલના માધ્યમથી એ સ્વીકાર્યું હતું કે તેઓએ આ ટિપ્પણીને ખોટી રીતે સુપ્રીમ કોર્ટના નામથી કહીને ભૂલ કરી છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે રાફેલ ફાઇટર પ્લેન સોદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર માટે દાખલ પિટિશનોમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ચોકીદાર ચોર હૈ, ટિપ્પણી ખોટી રીતે સુપ્રીમ કોર્ટના હવાલાથી કહેવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ અનાદરની પિટિશન પર ૧૦ મેના રોજ એકસાથે સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બન્ચે કહ્યું હતું કે ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના ચુકાદા પર પુનર્વિચાર માટે દાખલ પિટિશનો પર ૧૦ મેના રોજ સુનાવણી થશે.