રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આજે વહેલી સવારે પાકિસ્તાનના લાહોરમાં દાતા દરબારની બહાર બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે. હુમલામાં જીવ ગુમાવનાર ૩ પાકિસ્તાની પંજાબ પોલીસના એલીટ ફોર્સના કમાન્ડો છે જ્યારે એક સુરક્ષા ગાર્ડ અને એક સામાન્ય નાગરિક છે. બ્લાસ્ટમાં અંદાજે ૨૬ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં ૭-૮ લોકોની સ્થિતિ નાજૂક માનવામાં આવે છે. હુમલા પછી દાતા દરબારને ચારેય બાજુથી કોર્ડન કરી, દરગાહ પણ બંધ કરી દેવામાં આવી છે. લોકોને હાલ દાતા દરબાર ન જવાની અપીલ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે બ્લાસ્ટમાં પોલીસની ગાડીને ટાર્ગેટ કરવામાં આવી હતી. હવે આ બ્લાસ્ટ આત્મઘાતી છે કે નહીં તે વિશેની પૂરતી માહિતી મળી નથી. વિસ્ફોટ સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે બ્લાસ્ટમાં પોલિસની એલિટ ફોર્સને ટાર્ગેટ કરવામાં આવી હતી.
આ પહેલાં અહીં ૨૦૧૦માં આત્મઘાતી હુમલો થયો હતો અને તેમાં અંદાજે ૫૦ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૦૦થી વધારે ઘાયલ થયા હતા. પાકિસ્તાની ચેનલ જીયોના જણાવ્યા પ્રમાણે જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે ઘણાં શ્રદ્ધાળુઓ દરગાહની અંદર હતા.