ગુજરાતમાં હજુ પણ હળવા વરસાદી ઝાપટા પડવાની તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે મહત્તમ તાપમાનમાં નહિવત ફેરફારની સ્થિતિ રહી છે. તીવ્ર ગરમીનું પ્રમાણ અકબંધ રહ્યું છે. બપોરના ગાળામાં લોકો ભારે હેરાન પરેશાન દેખાયા હતા. જોકે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. વરસાદી ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવ્યા બાદ ખેડુત સમુદાયન ચિંતા દુર થઈ રહી નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૩ ડિગ્રી રહ્યું હતું. જોકે બપોરના ગાળામાં તીવ્ર ગરમી અકબંધ રહી હતી અને લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું. આજે પણ રાજ્યના ઘણા ભાગોમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો. જેમાં અમદાવા, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓએ પારો ૪૧થી ઉપર રહેતા સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કોર્પોરેશન તરફથી લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હાલમાં હવામાનમાં આવેલા પલ્ટા વચ્ચે સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમીનું પ્રમાણ ફરી વધવાની શક્યતા છે. આજે સોમવારની સરખામણીમાં પારો વધ્યો હતો. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગો ખાસ કરીને રાજકોટ, પોરબંદર, કચ્છમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં હળવા ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હાલમાં બેવડી સિઝન ફરી વાર જોવા મળી રહી છે. કારણ કે તાપમાનમાં સતત ફેરફાર જોવા મળે છે. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં. હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. જો કે, અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હિટવેવને લઇને એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યા બાદ તેને લઇને પણ રાહત થઇ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્ર ગરમીનું મોજુ હાલમાં ફરી વળ્યું છે.