ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજયમાં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સાથે ફાર્મસી, એન્જીનીયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામો પણ આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે. જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના પરિણામની માહિતી આવતીકાલે સવારે આઠ વાગ્યાથી બોર્ડની વેબસાઇટ જીએસઇબી.ઓરજી પરથી મેળવી શકશે. ગુજરાત રાજય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાથે આ વખતે શાળા અને ઇન્ટરનેટ એમ બંને પર એકસાથે એક જ દિવસે પરિણામ જાહેર કરી દેવાશે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપનાર રાજયના ૧,૪૭,૩૦૨ વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે આવવાનું હોવાથી તેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ થોડી ચિંતા અને ગભરાહટ સાથે ઉત્તેજનાની લાગણી જોવા મળી રહી છે. બીજીબાજુ, ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહની સાથે સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે સવારે ૧૧થી સાંજના ચાર વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવાશે. ગુજકેટનું પરિણામ પણ આવતીકાલે જ જાહેર કરી દેવાનું હોવાથી વિદ્યાર્થીઓએ ઉપરોકત સમય દરમ્યાન જે તે શાળામાં જરૂરી પુરાવાઓ રજૂ કરી ગુજકેટના પરિણામનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. દરમ્યાન ગુજરાત બોર્ડ સિવાયના અન્ય વિદ્યાર્થીઓની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવાનું પણ બોર્ડ દ્વારા આયોજન કરાયું છે. ગુજકેટની પરીક્ષામાં કુલ ૧,૩૬,૫૧૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર થયુ હતું. આ પરિણામ, છેલ્લા પાંચ વર્ષના પરિણામ કરતાં સૌથી ઓછુ પરિણામ હતું. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ભાષાના માધ્યમ પ્રમાણે પરિણામ અંતર્ગત ગુજરાતી માધ્યમનું ૭૨.૪૫ ટકા પરિણામ, જયારે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૭૮ ટકા આવ્યું હતું.