માઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ

1549

નમસ્કાર મિત્રો, દર ગુરુવારે લોકસંસારના પાના પર માઈક્રોફિક્શન વાર્તાઓ પોતાનો મૌલિક સંસાર લઈ આપની સમક્ષ આવે છે. માઈક્રોફિક્શન વાર્તાઓને પોકેટ ડાયરી પણ કહી શકીએ કારણ એ વાંચવામાં ખૂબ ટુંકી પણ રસપ્રદ હોય છે.માઈક્રો વાર્તા વાચકને આરંભથી અંત લગી ખેંચી રાખે છે.ગદ્ય સાહિત્યનો આ ટૂંકો પ્રકાર રચવામાં ’માઈક્રો સ્ટોરી શણગાર પરિવારના લોકો પ્રયત્ન કરે છે.વાચકો, સ્ટોરી શણગારના સદસ્યો દ્વારા રચાયેલી આ વાર્તાઓ વાંચી પ્રતિભાવ મોકલશો.

નિર્ધાર

ફ્લશ કરવામાં બેદરકારી, મુકેલી વસ્તુ ક્યાં મુકી હતી તે ભુલી જવું, ટુવાલ, રૂમાલ, પેનડ્રાઇવનું ન મળવું, વ્યવસ્થિત હોવું ગમવું પણ બધું અવ્યવસ્થિત રાખવું, વૈભવી કાર હોવા છતાં પેટ્રોલ ખતમ થાય ત્યાં સુધી ખબર ન રાખવી, ઓફિસે પહોંચ્યા પછી પેનડ્રાઈવ કે લેપટોપનું યાદ આવવું … પોતાની આ બધી મર્યાદાઓ, કુટેવો હિમેશને નિકિતાનાં ચાલ્યા ગયા પછી જ નજર આવવા લાગી. રાત્રે બેમતલબ ટીવી ચાલુ કર્યુ તો ગીત ચાલી રહ્યું હતું, ’ તુમ મુજે યુ ભુલા ન પાઓગે ’, ને હિમેશ નિકિતાને યાદ કરીને… સોફ્ટવેર એન્જિનિયર તરીકે અતિસફળ હિમેશને ગીત સાંભળતા ભાન થયું કે નિકિતાનું સ્થાન અંકિતા નહિ જ લઇ શકે. વ્યવસ્થિત તૈયાર થઇને બહાર ઓફીસ, બગીચા કે હોટલમાં મળવું અને સાથે રહીને સતત બીજાની કાળજી લેવી એમાં જમીન-આસમાન જેટલો તફાવત હોય છે. વહેલી સવારે જ હિમેશે પોતાની તમામ મર્યાદાઓ સુધારવાનો અને કોઇપણ રીતે સમાધાન કરીને પણ નિકિતાને મનાવીને આજીવન તેની સાથે રહેવાનાં ઈરાદા સાથે મોબાઇલ હાથમાં લીધો.

– રોહિત વણપરિયા

તારા વિના..

આજે એક વર્ષે પણ અંબર ધરાને ફોન જોડી રહ્યો હતો, પણ ધરા ફોન રિસીવ નહોતી કરતી..અંબર ધરા જાણે બંને માટે જ બન્યા હોય એવા. પણ કોણ જાણે એમને કોની નજર લાગી ગઈ અને ગેરસમજણો વધવા લાગી અને ધરા ચાલી નીકળી..એવી જગ્યાએ કે જ્યાંથી એની ઈચ્છા હોય તો પણ પરત નથી ફરી શકવાની. અંબર હવે ધરાના વિચારમાં રોજ ધરાની ફેવરિટ કૉફીશોપમાં જવા લાગ્યો આજે ત્યાં વાગી રહેલા રેડીયોમાં જૂના ગીતોનો કાર્યક્રમ શરૂ થયો. “તુમ મુજે યૂ ભૂલા ન પાઓગે” વાગ્યું. અંબરની આંખમાં પાણી આવી ગયા. એ બબડ્યો “હા ધરા હું તને જરીકેય નથી ભૂલ્યો અને હવે તારા વગર જીવી પણ નથી શકતો.”  એણે જાણે કાંઈક નક્કી કરી લીધું અને ત્યાંથી નિકળી ગયો…

– વિહા ઓઝા

મૌન આઝાદી

હેતુ એના ઘરે બે “ર્ન્દૃી હ્વૈઙ્ઘિજ” લાવેલો હતો. હંમેશા એને ઘરમાં રાખતો, સાચવતો પણ એને પાંજરે જોઈ દુઃખી થતો. બંને ઊડશે તો પાછા પાંજરે આવી જાશે એમ વિચારીને પાંજરાનો દરવાજો હંમેશા ખુલ્લો રાખતો પણ બંને માંથી એકપણ બહાર નીકળતુ નહોતુ કે જાણે એ પાંજરાને જ પોતાની દુનિયા સમજી બેઠું હોય. એક દિવસ હેતુ કામથી બહાર ગયો પાંજરાનો દરવાજો અને ઘરનો દરવાજો રોજની જેમ ખુલ્લો જ રહેલો. ના જાણે કેમ અચાનક જ બંને પંખીના મનમાં વિચાર ઉદ્વભવ્યો હશે આપણા જેમજ કે “હવે ખુલ્લા મને વિચરવું છે આ પાંજરુ છોડવું છે” અને બંને સાથે ઊડી ગયા. હેતુ ઘરે પરત આવ્યો ત્યારે એને મમ્મીએ કહ્યુ બેટા બંને પંખી સાથે ઊડી ગયા. પહેલાં તો લીમડાની ડાળ પર બેઠા પછી દૂર ગગનમાં ઊડી ગયા. પછી હેતુ પાંજરાને જોઈજ રહ્યો અને ખુશ પણ થયો કે એમને એમની દુનિયા મળી ગઈ પણ પાંજરુ હેતુને જાણે એમ કહેતું હતું અને હજુએ કહે જ છે  “તુમ ઉસે (મુજે) યૂં ભૂલા ના પાઓગે”

– સંકેત વ્યાસ

સંભારણું

” તુમ મુજે યું ભુલા ન પાઓગે” કવન સદાય કહેતો, કવિતાને ખુબ ગમતું. કવન અને કવિતા સદાયના સંગાથી, બંનેની પ્રેમ કહાણી ઘરમાં વધાઈ પામી. કવિતા ગંભીર, અને કવન રમુજી સ્વભાવનો. કવન કવિતાને  કહેતો કે તું શા માટે આટલી ગંભીરતાથી જીવે છે ? જિંદગી કેટલી સુંદર છે. મોજથી જીવી લેવી. મારી દ્રષ્ટિથી જો, દુનિયા કેટલી રંગીન લાગે છે અને તેની મજાક કરતો.કવનની ખુબ જ મજાક કરવાની આદતથી કવિતા ક્યારેક ગુસ્સે પણ થઈ જતી. સંજોગોવશાત કવિતાને નેત્રરોગ થયો. સમય વહેતો ગયો. આજે કવિતાની આંખનું સફળ ઓપરેશન થયું, નેત્રદાન કરનાર યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.  કવિતાની આંખો કવનને શોધી  રહી, અને મનમાં ગીત ગુંજવા  લાગ્યું, “તુમ મુજે યું ભુલા ન પાઓગે.”

– ચેતના ગણાત્રા ’ચેતુ’

મંગળસૂત્ર

આજે પણ સવારે વહેલો જાગી ગયો. નીકળી ગયો શોપ જવા. શોપની સામે રહીમચાચાની તુટેલી ભાંગેલી ચાની રેંકડીમાં મોટા અવાજે ગીત વાગી રહ્યું હતું ’તુમ મુજે યું ભુલાના પાઓગે’ ને સાથે રહીમચાચા ગીત ગણગણાવી રહ્યા હતા. મેં પૂછ્યું “ચાચા આજ કેમ બહુ ખુશ છો?” “ના બચ્ચા, આ ગીત તારી ચાચીને  બહુ ગમતું હતું, ને આજ સવાર સવારમાં આ ગીત સાંભળ્યુ એટલે એ યાદ આવી ગઈ..!” ચાચા મેલા કપડાથી આંખો લુછતાં બોલ્યા  ’યાદ આવી ગઈ’ એ શબ્દે તો મને પણ હચમચાવી ગયો. વેકેશન શરૂ થયું, એટલે હું બસસ્ટેશનના ચક્કર મારવા લાગ્યો.  બસ, વરસે એક જ વખત એ આવતી અને હું એને દૂરથી નિરખતો. અલગ થયા પછી કોઈ દિવસ વાત પણ નથી કરી. આજે પણ એ જ આતુરતાથી એની રાહ જોતો હતો. એ આવી. સફેદ સાડી, ઉજજડ સેંથો, કોરા કપાળમાં નિકીતાને જોઈ ને આજે પણ હૃદયથી રડી પડ્યો, પણ, આજે એ સામે આવીને મારી પાસે આવી એટલું જ બોલી “હવે તો હિંમત કર. તારૂ આપેલું મંગળસૂત્ર હજી પણ મારી પાસે છે.” –

–  સંજયભટ્ટ ’ખુશ’

‘પ્રેમ’

ઘણા વરસો પછી કુંવારો પ્રેમ ગામડે ગયો. એ શેરી તરફ પ્રેમના પગ આપોઆપ વળી ગયા. એ શેરીમાં આજે તો ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું.આમ તો એને ખાતરી જ હતી કે મીરાં હવે એ ઘરમાં નહી હોય છતાં મનને ક્યાં લગામ હોય છે!એ તો પગને હુકમ કર્યે જતું હતું. મીરાંના ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો.ખાટલા પર બેઠેલા મોહનકાકાની પ્રેમ પર નજર પડી કે તરત જ બોલ્યા, ’આવ આવ,પ્રેમ,ઘણા વરસેને કંઈ? ભાઈ તું તો ગામનો મારગ જ ભૂલી ગયો છે’  અને રેડીયાનો અવાજ સહેજ ધીમો કરીને અંદરના રૂમ તરફ જોઈને બૂમ પાડી, ’પ્રેમ આવ્યો છે’ પ્રેમની નજર આખા ઘરમાં ચકળવકળ ફરતી હતી. અને રેડીયો પર ગીત ગૂંજી ઉઠ્યું, ’તુમ મુઝે યું ભૂલા ન પાઓગે’ થોડીવારમાં રસોડામાંથી સફેદ સાડલો અને કોરા કપાળે મીરાં પાણી લઈને બહાર આવી. પ્રેમને જોઈને મીરાંના નિસ્તેજ ચહેરા પર એક ચમક ઉપસી આવી.

– ડૉ.કિશોર એન.ઠક્કર.

“પત્ની કે પ્રેમિકા”

રડતા બાળકો, ગુમસુમ પત્ની અને ગુસ્સાથી રાતાપીળા થયેલા માતાપિતાને છોડીને, પાછુ જોયા વગર સંજય બેગ ઉપાડીને ઘરની બહાર નીકળી ગયો. બહાર નીકળીને મેઘાને ફોન કરી દીઘો.. ” હાય જાન.. ઘર છોડી દીઘુ છે.. હવે આપણી દુનિયા..” ૪૫ વર્ષના સંજયને રસોડામાં રસોઇ કરતી, ઘર સંભાળતી, માતાપિતાની સેવા કરતી પત્ની મણીબેન જેવી લાગતી, અને ઓફિસમાં સાથે કામ કરતી, ફેશનેબલ વસ્ત્રો પહેરતી મેઘા સાથે પ્રેમ થઇ ગયો.. પોતાની નવી દુનિયા વસાવવા ઘર છોડી દીઘુ.. આખી રાત જાગ્યા પછી, બીજા દિવસે સવારે મેઘાએ કહ્યુ, “બહારથી ચા નાસ્તો લઇ આવ, મને રસોઇ નથી આવડતી”. ચા – નાસ્તો – બપોરનુ અને રાતનુ જમવાનુ બહારથી લાવીને પંદર દિવસમાં સંજય કંટાળી ગયો.. મેઘાને રસોઇ બનાવવાનુ કહેતો ગુસ્સાથી બોલી, “ફેશન અને રસોઇ સાથે ન થાય… ઘરની રસોઇનો શોખ હોય તો પછી તારી પત્ની શુ ખોટી હતી? અને સંજયને ટીવીમાં આવતુ ગીત “તુમ મુજે યુ ભુલા ન પાઓગે” સાંભળીને પત્ની યાદ આવી ગ  ..

–  દિપા સોની “સોનુ”

રમત

આશિષ અને અર્ચના એકબીજાને પ્રેમ કરતા હતા. પણ કોઈ કારણોસર બંને એક થઈ શકે તેમ ના થયું.આશિષે બહુ પ્રયાસો કર્યા. અર્ચનાને સમજાવી કે કોઈ રીતે સાથે રહે,પણ તે માની નહીં. આખરે બંનેએ નક્કી કર્યું કે આપણે સમજણપૂર્વક અલગ થઈ જવું.અર્ચના આશિષને ખૂબ પ્રેમ કરતી. પણ આશિષ એકદમ પઝેસિવ થઈ ગયો હતો.તેણે નક્કી કર્યું કે અર્ચના મારી નહિ તો કોઈની નહીં.અંતિમ મિલન વખતે તેણે અર્ચનાને ફોસલાવી લીધી અને તેની સાથે અંગત પળો માણી. છુટા પડતી વખતે આશિષના મોં પર કુટિલ સ્મિત હતું અને મનમાં ગીત ગણગણી રહ્યો હતો, ’તુમ મુજે યું ભુલા ના પાઓગે.’

– શ્રેયસ ત્રિવેદી

ખમ્મા

“તુમ મુજે યુ ભુલા ના પાઓગે!” રેડીયોમાં ગીત આવ્યું ને દિવ્યાનું મગજ તપી ગયું …”કહેવાની વાત છે બધી  ..! કોણ યાદ કરે છે હવે? છેલ્લાં પાંચ વર્ષમાં એકવારેય એને મળવાની ઇચ્છા થઈ? દરેક પ્રસંગ એટલાં જ ધામધૂમથી ઉજવ્યા નથી? એણે સામેથી સંબંધ તોડ્યા છે મેં નહીં. હું ક્યાં મરી ગઈ એના વગર..? જીવું છું ને જલસાથી! પોતે કેવો બદલાઈ ગયો છે એનું એને ભાન નહીં હોય…ભુલા ના પાઓગે… જા.. જા.. કોઈ યાદ નથી કરતું તને..” રમેશનું આ ફેવરિટ ગીત હતું. આખુ ગીત સાંભળવા ના માંગતી દિવ્યા રેડીયો બંધ કરવા રીતસર દોડી અને એને ઠેસ વાગી..ને આંખમાં આંસુ આવી ગયા, અને એનાથી અનાયાસે જ બોલાઈ ગયું ” ખમ્મા મારા ભાઈલા ને”

– દક્ષા દવે ’રંજન’

યાદ

હેત્વી અને સાગર નાનપણના મિત્રો હતા. બંનેની મૈત્રી પ્રેમમાં પરિણમી. પરિવારોએ લગ્નની મંજૂરી આપતા બધાં તૈયારી કરવા લાગ્યા. હેત્વી માતાપિતા સાથે શોપિંગમાં જતા ગાડીનું એકસીડન્ટ થયું, અને ત્યાંજ એમનું મૃત્યુ થયું. હેત્વીને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થઇ તાત્કાલિક દવાખાનામાં લઈ જવામાં આવી.સાગરને આ સમાચાર મળતાં હેત્વીને મળવા દોડી ગયો. હેત્વી ભાનમાં આવતા સાગર આઇ સી યુમાં જાય છે ત્યાં હેત્વી  તેને ” તે કોણ છે? “એવું પૂછે છે. સાગરના પગ નીચેથી જમીન સરકી જાય છે, હેત્વી ઘણી વખત એની સામે ગણગણતી “તુમ મુજે યુ ભૂલા ન પાઓગે”  અને આજે હેત્વી જ એને…!

– હિમા લાડાણી

ગુંજ.

મીરાંએ પોતે પોતાના સ્વરે શ્યામની મૂર્તિ સામે “ગાવાનું ચાલુ કર્યું તુમ મુજે યુ ભુલા ન પાઓગે” ગીત પૂરું પણ ન કરી શકી અને રોઈ પડી રડતા રડતા વેદના શબ્દો થઈ પ્રગટ થઈ શ્યામ સન્મુખ. એક હાસ્ય મોઢા ઉપર લિંપી ને મીરાએ ગિરિધર ગોપાલની મૂર્તિ સામે જોઇને કહ્યું. ” અતિત તો દરેકનું હોય છે .”હેને શ્યામ ? ” તમારું એ સુંદર અતિત કાયમ તમારી સાથે આભા બનીને જોડાયું છે નહીં ! હા એ વાત અલગ છે કે રુક્મિણી સહિતની આઠેય પટરાણી અને સોળશો સ્ત્રીઓએ તમને એ અતિત સાથે સહર્ષ સ્વીકાર્યા છે ! તમને તો સહુ કોઈ પૂજે છે શ્યામ ,પણ હું …હું એક વિજોગણ આ ભવ શુ ભવેભવ વિજોગણ જ રહી; મીરાએ કદી માધવને મેળવવામાં સફળતા ન મેળવી .  મેં જાણીજોઈને સમાજ અને પરિવાર ખાતર પ્રેમ ત્યાગ્યો , પણ શ્યામ  …શુ માધવ  ખરેખર મને ભૂલી શકશે ?જે રસ્તે એ ચાલ્યો  છે ગોપી સાથે ત્યાં એક-એક ડગલે શુ એ મને યાદ નહિ કરે? માધવ ઓ માધવ ગોપીએ બૂમ પાડી અને ત્યારે માધવના કાનમાં પોતાના ફોનમાં  વાગતા ગીતના શબ્દો ગૂંજી રહયા . “તુમ મુજે યુ ભુલા ના પાઓગે.”

– ચિંતલ જોશી

હિંમત

ઘરઆંગણે જાન હતી. ચોરીમાં રાહ જોતો વરરાજા બેઠેલ અને મહારાજ “કન્યા પધરાવો સાવધાન…” બોલી રહ્યા હતા પણ… દુલ્હન બનેલી વિશ્રુતિના ચહેરા પર દુઃખ હતું. વિહાન…એનો પ્રેમ જ નહિ એનો જીવ હતો જેને છોડી ચાલતી-ફરતી લાશ બનવાનું દુઃખ. બંને શાળાના સમયથી જ પાક્કા મિત્રો અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એની બંનેને ખબર ના રહી. વિહાનનો પરિવાર વિશ્રુતિને ખુશી-ખુશી સ્વીકારવા તૈયાર હતો પરંતુ વિશ્રુતિએ જ એના પરિવારના અસ્વીકારને કારણે વિહાન સાથે દગો કર્યો અને પરિવારની ખુશીને પ્રાધાન્ય આપી અજાણ્યા સાથે ચોરીના ચાર ફેરા ફરી આવતા સાત જન્મ માટે એની થવા જઈ રહી હતી. સખીઓ સાથે ચોરીમાં જઈ રહી વિશ્રુતિના પગ અચાનક થીજી ગયા. એવું લાગી રહ્યું હતું જાણે પોતે બે ભાગમાં વહેંચાઈ રહી હોય. એક ભાગ શરીરનો અને બીજો આત્માનો. ચોરી નજીક આવતાં જ માઈક પર “તુમ મુજે યું ભૂલા ન પા…ઓગે” ગીત સંભળાયું અને અચાનક ભવિષ્યની કલ્પના હચમચાવી ગઈ. આખરે હિંમત કરીને પોતાની જાતને અર્પણ કરવા બારણે દોટ મૂકી.

– પલ્લવી ગોહિલ ’પલ’

સિલેક્શન ઓર્ડર

આજે છબી સામે દીવો કરી પૃથાએ ગર્વથી સિલેકશન ઓર્ડર મૂક્યો… જાણે છબી પણ અભિમાનથી બોલી ઊઠીઃ “આઇ ઍમ પ્રાઉડ ઓફ યુ.” “મારી ઇચ્છા છે કે આવનાર બાળક દેશને સોંપું. જેથી હું રહું કે ન રહું… તું મને અને મારી ડયૂટી ને ભૂલાવી ન શકે…” ને તરત જ પૃથાની હથેળીએ વિક્રમના હોઠ સીવી દીધેલા એ દ્રશ્ય આજે વર્ષો પછી ફરી જીવંત થઈ ઉઠ્યું અને પૃથાના કાનમાં વિક્રમના શબ્દો ગૂંજી ઉઠ્યા…”તુમ મુજે યુ ભૂલા ન પાઓગે…”

– શ્રદ્ધા ભાવસાર(અમીન)

વીર અભિનેતા

મણિલાલ,”ચા લઈ જાવ બધાને આપી દો અને છાપુ લાવો પછી ડૉક્ટર સાહેબને ઉઠાડુ.”હું ડૉ માધુરી, ઉપરનું વાક્ય બોલવું મારો નિત્યક્રમ, દસ મિનિટ રાહ જોયા પછી જ મણિલાલ છાપુ લઈને આવે એ મણિલાલનો નિત્યક્રમ. પણ અહો આશ્ચર્યમ!  આજે ટોનિક પીધેલા જિનની ઝડપે મણિલાલ હાજર થઈ ગયા. “અરે બહેન ગજબ થઈ ગયો, છાપામાં આપણા આશ્રમના ટ્રસ્ટી એવા અભિનેતા આકાશનું મળસ્કે અવસાનની ખબર છે”!  મને સહેજ ચક્કર આવી ગયા,મણિલાલે સહારો ના આપ્યો હોત તો ઢળી જ પડત. આકાશના નેક વ્યક્તિત્વ, દેશપ્રેમ અને સેવાકાર્યોથી પ્રેરાઈ, ડૉ. દંપતિ તરીકે વિદેશથી ભારત આવી આકાશની “સહારા સેવા સંસ્થામાં”જોડાયા હતા. અને પોતે તો રીતસર ’ફેન’ થઈ ગઈ હતી આકાશની. મનોમસ્તિષ્ક પર આકાશના અભિનય,ઉમદા કાર્યોની અમીટ છાપ ઉપસી આવી “હે! પ્રભુ સારા માણસોને જ ઉપાડી લઈશ?”  શોકમગ્ન મણિલાલે ટીવી ચાલુ કર્યું, ના મનાય એવા સમાચારની પુષ્ટિ માટે. આકાશને અંજલિ આપતા ટીવી પ્રોગ્રામમાં આકાશ અભિનીત ’તુમ મુજે યુ ભુલાના પાઓગેના’ પ્રસારણથી સૌનું મન ભારે અને આંખો ભીની થઈ ગઈ. “અરે! અચાનક આ શું બની ગયું? ડોક્ટર સાહેબ નથી જાણતાં કે શું?” અને અચાનક પોલીસ સાઈન વાગી એે ભયભીત થઈ ગઈ…

– મિનલ પંડ્યા

બમણો સન્નાટો

એ તાકી તાકીને ટ્રેનને જોતો રહ્યો.’’પ્લેટફોર્મ નંબર ચાર વાળી ટ્રેન હવે મુંબઈ માટે રવાના થશે.’’ આવી સુચના પ્લેટફોર્મ પર ગુંજી ઉઠી ત્યાંજ ટ્રેને બ્યુગલ વગાડ્યું.  ધીરે ધીરે ડબ્બો ખસ્યો સાથે એની આંખો ડબ્બામાં બેઠેલ એની દિકરીને ટગર ટગર કરતી જોતી રહી.આંખમાં ઝળહળિયા,પરસેવે રેબઝેબ થયેલ કપડાં વચ્ચે દિકરીની વિદાય એને ઢીલો પાડતી ગઈ. દર વર્ષે આવતા આ પચ્ચીસ દિવસ એને આખા વરસનું જીવનબળ પુરું પાડતા.  ટ્રેને આખરે પ્લેટફોર્મ છોડ્યું.જીવનમાં ફરી સન્નાટો છવાઈ ગયો. સ્ટેશન પરથી રિક્ષામાં બેઠો.રિક્ષા વાળાએ રેડિઓ શરૂ કર્યો, ’ તુમ મુજે યું ભુલા ન પાઓગે…..’ હજી ગીત પુરું થાય  પહેલા કંઈક સમાચાર આવ્યા ને એ ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયો.

– ધાર્મિક પરમાર ’ધર્મદ’

ગેરહાજરી

“ ઓહ.. આ શાક સમારવાનું બાકી છે. અને રોટલીના ગોયણા પણ કરવાના છે. અરે બાપરે, હજી કચુંબર સુધારવાનું છે. ક્યારે બાપ દીકરાનું ટીફીન તૈયાર કરીશ? શું આ ઘડિયાળ ચાલવાની બદલે દોડે છે? ક્યારે ઉકેલાશે એકલા હાથે આટલું કામ?” નજર સામે ઢગલો કામ જોઈને માલતી અકળાઈ ગઈ. મોઢું બગાડી પતિ મુકેશભાઈ અને પુત્ર મયંક આજે પણ ટીફીન લીધા વગર જ નિકળી ગયા.  “હાશ ઘરમાં જગા જ જગા થઈ ગઈ” એમ ખુશ થાતી માલતીને લાગ્યું કે બા ને ગામડે મોકલીને પોતે જાતે જ ખુદના પગ પર કુહાડી મારી છે…ત્યાં જ “તુમ મુજે યુ ભુલા ના પાઓગે”ની પોતાના મોબાઈલની રીંગ વાગી અને કોલ કરનારનું નામ જોઈને હરખાઈ ગઈ… બાઆઆઆ…! કાવ્યાલ્પ

– અલ્પા વસા

વ્યથા.

” તુમ મુજે યું ભુલા ન પાઓગે…”

એમ જ મનમાં વિચારતાં અને કફના ગળફાને જંતુનાશક દવા નાખીને મુકેલ સ્પિટલમાં થુંકતા , હાંફી ગયેલી છાતીને શાંત કરતાં મુફલિસ એવા શાયરની પેનની શાહી પણ સુકાઈ ગઈ.. “છ છ માસ વીત્યા અને હવે  તો મને ખ્યાતનામ શાયરનો ખિતાબ મળશે ..તેની જ રાહ જોઉં છું.. નામ પણ લઈને ગયા છે, ઇનામની રકમ પણ એટલી છે કે મારો ઈલાજ સારી રીતે કરાવી શકીશ.. હા, હવે હું આ પલંગ માંથી જલ્દી મારી લેખનની દુનિયામાં પાછો ફરીશ, પણ  !!!  હજુ કોઈ આવ્યું નહિ ? કોઈ આવશે કે ? હું બસ આમ જ ?” સરકારી ટી.બી.હોસ્પિટલના બેડ નંબર ૨૨ પર સુતેલા આ મુફલિસની ખબર લેવા કોઈ શાયર મિત્રો કે સગાઓ ડોકાયાં ન હતા. અચાનક સવાર સવારમાં ટી.વી. રિપોર્ટર આશા એક ખુશખબર સાથે  દોડતી અને મળવા માટે તલસતી બેડ નંબર ૨૨ પાસે આવીને અટકી… અને !! ત્યાં પહોંચીને  જોતા તેના હાથમાંથી માઇક , ટ્રોફી અને પેનમાંથી શાહી વહેતાં જ રહી ગયા. આંખોમાંથી આસું પણ…..

– અલ્પા પંડયા દેસાઈ

Previous articleરાજયમાં RTE પ્રવેશ પ્રક્રિયામાં ધાંધિયા
Next articleમોરારીબાપુ : વૈશ્વિક સંસ્કૃતિ આદાન પ્રદાનના જ્યોતિર્ધર