મોરારીબાપુ : વૈશ્વિક સંસ્કૃતિ આદાન પ્રદાનના જ્યોતિર્ધર

934

ધીમંત પુરોહિત : તખુભાઈ, રવાન્ડા સફરનું પ્રયોજન શું?  તે કેવી રીતે પાર પાડ્યું?

તખુભાઈ : રવાન્ડા પૂર્વ આફ્રિકાના કોંગો ,યુગાન્ડા, ટાન્ઝાનિયા, બરૂન્ડી ,કેન્યા સહિતના દેશો પૈકીનો એક નાનકડો દેશ છે.અહીં જવાનું ’અસંભવામિ યુગે યુગે ’જેવું ગણાય. કારણ કે, ત્યાં આપણો  તંતું કે સેતુ સાવ પાતળો લેખાય. પ્રવાસન સ્થળ તરીકે તે ખ્યાત નથી. પરંતુ મોરારીબાપુની ત્યાં રામકથાનું આયોજન, તેમાં મને નિમંત્રણ મળવું. બાપુ ગુજરાતના સાક્ષરો ,સર્જકો, લોક કલાકારો , નવોદિતો અને ઉપેક્ષિતોને વિશ્વના અન્ય પ્રદેશોનો પરિચય કરાવવા પ્રવાસમાં જોડે છે. એવું કહેવાય. પૂ. બાપુ વૈશ્વિક સંસ્કૃતિનાં આદાનપ્રદાનના જ્યોતિર્ધર છે. તે સમાંતર સરકાર જેવું કાર્ય કરી રહ્યા છે. સરકાર જે કોઈપણ બે દેશના સાંસ્કૃત્તિક ,ભૌગોલિક પરિચય માટે સૌને જોડી શકે. પૂ.બાપુના આ કાર્ય માટે લખવા પાના ઓછાં પડે, પણ કવિવર રવિન્દ્રનાથ ઠાકુરના  શબ્દોમાં આટલું કહી શકાય :

“જયારે દીવો ન ધરે કોઇ,

જયારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઇ,

ત્યારે આભની વીજે તું સળગી જઇને,

સૌ નો દીવો એકલો થાને રે.”

ધીમંત પુરોહિત —આફ્રિકાખંડના રવાન્ડાની ધરતી પર પગ મુકતા તમને કેવો અનુભવ થયો?

તખુભાઈ–અમે દુબઈના ત્રણ- ચાર કલાકના રોકાણ પછી હવાઈજહાજ બદલી શનિવારે તેના કેપિટલ કિગાલીમાં ઉતર્યાં. ત્યારે તારીખ હતી ૨૦ એપ્રિલ ૨૦૧૯.પહેલી નજરે લીલોતરી જોઈને આંખો ઠરી ગઈ.સૌરાષ્ટ્રના સુકા ભઠ્ઠ જેવા પ્રદેશમાંથી ચોમેર લીલીધરા…અમારા નિવાસનો હોટલ સ્ટાફ, રસ્તા પર અવરજવર કરતાં રાહદારીઓ ,બધાંના ચહેરામાં એક નિર્દોષતા સતત ડોકાતી હતી. અડદમાં ઓગળી જાય તેવો રંગ ભલે હોય ,પણ તેનાં હૃદયની કુમાશ ગુલાબની મખમલી પાંદડીઓથી જરાય ઓછી ન હતી. લગભગ તમામનાં ભાવજગતમાં એક ગ્લાની,માયુષી હોવાનો સતત અહેસાસ થતો હતો. મને તો આ ઇતિહાસની બહુ વિશેષ જાણકારી ન હતી. પણ પાછળથી એક મહાભયાનક પાનું ઊંચકાયું, જેણે સૌને દંગ કરી દીધાં. તે હતો દસલાખથી વધુ લોકોનો સને ૧૯૯૪નો જાતિસંહાર.જેનોસાઈડ મેમોરિયલ પર પોતાના આપ્તજનો માટે આંખોની અશ્રુધારા લુંછતી એક સ્ત્રીને જોઈ હું પણ મારી આંખોની નમીને રોકી ન શક્યો. આંસુ કોઈ ભાષા કે પ્રદેશનો ઈજારો નથી, તે વિદિત છે.

ધીમંત પુરોહિત : હા, રવાંડાનો જેનોસાઇડ નરસંહારની વાસ્તવિકતા તમારા મતે શું છે ? સાંપ્રત સ્થિતિનો કેવો અનુભવ?

તખુભાઈ : અમારા ઉતારાનું કિગાલી શહેર ૧૨ લાખની વસ્તીનું તથા રવાન્ડા આખા દેશની વસ્તી ૧.૨૦ કરોડ છે. સૌરાષ્ટ્રથી પણ નાનું ગણી લો .અહીં તુત્સિ,ત્વા અને હૂતુ આદિવાસીઓની વસ્તી છે.સને ૧૯૬૨માં આઝાદી મળી પછી બહુમત હુતુ લોકો સત્તામાં હતા. તુત્સી જાતિની લઘુમતી હોવા છતાં તેને સતત આથી અકળામણ થતી હતી. હૂતુ અને તુત્સિ જાતિઓ વચ્ચે સને ૧૯૯૦ પછી નાની-મોટી હિંસક અથડામણો થયા કરતી હતી. પરંતુ ૬ એપ્રિલ ૧૯૯૪ ના રોજ હૂતુ જાતિના રંવાડી પ્રમુખ હિબોઅરીનામા અને  પાડોશી દેશ બરુન્ડીના પ્રમુખ સિપ્રેન જ્યારે કિગાલી એરપોર્ટ પર હવાઈજહાજમા બોડૅ થતા હતાં. ત્યારે તેના પ્લેનને રોકેટથી ઉડાવી દેવામા આવ્યું. બંને પ્રમુખોની હત્યાથી ભડકેલી હુતુ જાતિના લોકોએ ચોમેર તુત્સિ જાતિના લોકોની કત્લેઆમ શરૂ કરી. ત્યાંનું એક ’થામ્બા’નામનું હથિયાર  જે ધારિયાં જેવું ગણાય તેનાથી લગભગ બધાંનાં ગળાં કાપીને હત્યા કરવામાં આવી. એકલા કિગાલી શહેરમાં જ ૨-૫ લાખ લોકોની હત્યા થઈ.  સો દિવસમાં રવાન્ડામાં કુલ ૧૦ લાખ તુત્સિ અને બે લાખથી વધુ હૂતુ, મળીને૧૨ લાખ લોકોનો સંહાર થયો. આવી બેરહમીથી થયેલી કત્લેઆમ માનવ તરીકેની ઓળખને ભુલાવી દેનારી હતી. જોકે આજે હવે આ આઘાતમાંથી ત્યાંની પ્રજા બહાર આવી ગઈ છે. કોઇને તેની જાતિ પૂછવાની અહીં મનાઈ છે. જાતિનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેઓ હવે રવાન્ડિયન તરીકે પોતાની જાતને ઓળખે છે .ટુરની બસમાં મારી સાથેના ગાઈડને જ્યારે મેં જાતિ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે મિહિર સોની નામના ગુજરાતી યુવાને મને રોકીને પુનઃ કોઈની જાતિ નહિ પૂછવા મને ચેતવ્યો હતો. અને પેલા ગાઈડનો જવાબ હતો, ’આઈ એમ રવાન્ડિયન.’

ધીમંત પુરોહિત : આફ્રિકા જંગલો માટે જાણીતું છે તમારો એ શો રોમાંચક અનુભવ?

તખુભાઈ  : હા ,આફ્રિકાનો મધ્યભાગ વિષુવવૃત્તિય છે, તેથી આ પ્રદેશ વરસાદ, પ્રાકૃતિક વૈભવનો રાજા છે. અહીં ત્રણેક જેટલા નેશનલ પાર્ક છે. તે પૈકીના પશ્ચિમ ભાગમાં આવેલું એકેગેરા અને પૂર્વમાં આવેલું વાંલ્કાનોઝ નેશનલ પાર્કની મુલાકાત લેવાનું શક્ય બન્યું. એકેગેરા ટાન્ઝાનિયાની સરહદ ઉપર આવેલું, એહેમા તળાવનું રુપ છોગું ધરાવતું માણવા જેવું જંગલ છે. અમને મહાલતા હાથીઓ,એહેમા તળાવમાં જબોળાતો હિપોપોટેમસ, ઘાસિયા મેદાનોમાં તબડાટી કરતાં ઝીબ્રા અને લાંબી ગ્રિવાધારી જિરાફને નજીકથી જોવાનો રોમાંચક અનુભવ થયો. પક્ષીઓની સંખ્યા એમાં માતબર જોવા ન મળી. માંસાહારી પ્રજાની તે તૃપ્તિ બની ગયાનું લાગ્યું. આવી જ બીજી સવાર વાલ્કાનોઝ ના ગોરીલા નેશનલ પાર્કમાં ઉઘાડ પામી .બે-ત્રણ ફૂટના અંતરેથી તસવીરો ખેંચી ને સ્પર્શ કરી લેવા જેવી બીના રોમટા બેઠાં કરે તેવી હતી. અદ્ભુત.. અદ્ભુત..

ધીમંત પુરોહિત : રવાન્ડિયન અને ભારતીય લોકજીવનમાં આપને શું તફાવત જોવા મળ્યો? તે ફેરફારોને કઈ રીતે આલેખી શકાય?

તખુભાઈ : રવાન્ડી રંગે કાળા છે. દસ હજારમાંથી કોઈ એકાદ વ્યક્તિ તમને આછું કાળું જોવા મળે. તમામ લોકો માંસાહારી, ખડતલ છે. ગરીબીનું પ્રમાણ ગ્રામપ્રદેશમાં વધુ છે. ગામડાંનાં નામો ઘણીવાર અટપટા છે. જેમકે સેન્ડુઝ,તુનુધેસ જે યાદ રાખવા પણ મુશ્કેલ હોય. તમામ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેથી તેનાં નામો તેને લગતાં જ હોય છે. જેમ કે; વિલિયમ, એલન ,એમીના, મેરી, ટ્‌વીંકલ, એન્ટી વગેરે. શરીરમાં ખૂબ તાકાત હોવાં છતાં અંદરથી કોઈ મોટા શોકમાં ડૂબેલા,ભાગ્યે જ હસતાં- સ્મિત રેલાવતાં તેઓ જોવાં મળ્યાં. બધાં હવે કોઈ જાતિના નામને બદલે રવાન્ડી તરીકે ઓળખાય છે. કોફી ,જુવાર, મકાઈ, કેળાંની ખેતી કરે છે. મોટાભાગનો માલ- સામાન સાયકલમાં હેરફેર કરે છે. પર્વતમાળાઓમાં નાના ખેતરો બનાવીને બધાં ત્યાં જ ખેતરના છેડે ઝૂંપડું બનાવીને રહે છે. મોટેભાગે મકાનની છત પતરાની હોય છે, વાંસ અને માટીમાંથી ઝૂંપડું બનાવે છે. પહેરવેશમાં ભારતીયથી હવે જુદાં નથી.

ધીમંત પુરોહિત : રાજનીતિ અને વહીવટી બાબતોમાં  તે દેશ કઈ રીતે જુદો પડે છે?

તખુભાઈ : રવાન્ડિયન પેટ્રીયેટ ફ્રન્ટના પોલ કગામે ૧૯૯૪થી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાતા આવે છે. વિરોધ પક્ષ નહિવત છે .૯૯ ટકા લોકો તેના પક્ષમાં જ છે. તેના વિરુદ્ધ કોઇ વાત થઇ શકતી નથી મોટેભાગે તે સરમુખત્યાર જ પરોક્ષ રીતે ગણાય. દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે. તે તુત્સિ જાતિના છે. ૧૯૯૪ના બળવા પછી તેના પક્ષે પાટનગર કિગાલી પર કબજો કરી લીધો. કાયદાઓ ખૂબ કડક છે, જે તેને તોડે તેને તરત સજા મળે. ઝિબ્રા ક્રોસિંગ સિવાય કોઈ રોડ ક્રોસ કરવાની પણ હિંમત કરતું નથી. તે મેં નજરે જોયું. હત્યા કે બળાત્કાર જેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. કારણકે તે આરોપીને જીવતો રાખે છે કે નહીં એ ત્યાંના લોકો સંદેહ વ્યક્ત કરે છે..! સ્થાનિક ગૃહસ્થ વાય.પી. જોશીએ કહ્યું “અહીં પ્રીપેડ ઇલેક્ટ્રિસિટી છે. ટેક્સ પણ બધાએ સમયસર ભરવો પડે છે. એરાઈવલ વીઝા છે. હવે ઇસ્ટ આફ્રિકાના બધા દેશોનો એક કોમન પાસપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.જેથી એકબીજા દેશો વચ્ચે સરળતાથી આવ-જા કરી શકાય. અહીં સમુદ્ર કિનારો નથી. જેથી બધો માલ સામાન ટાન્ઝાનિયાના દારે સલામ બંદરથી આવ-જા કરે છે .તેથી બધી વસ્તુ થોડી મોંઘી હોય. ભારતના એક રૂપિયા સામે ત્યાનુ ચલણ રવાન્ડિયન ફ્રાન્કનો ભાવ દસ રૂપિયા છે એટલે કે ભારતીય ૧૦ રૂપિયાના ૧૦૦ રવાન્ડિયન ફ્રાન્ક આવે. મોંઘવારી ઘણી છે એક ચાના કપ નો ભાવ બે હજાર ફ્રાન્ક છે. અહીં મોટરસાયકલ ટેક્સી છે, એટલે કે તમે કોઈપણ મોટર સાયકલ રીક્ષાની જેમ ભાડે કરી શકો છો. ટેક્સી ધારક પાસે હેલ્મેટ પણ હોય છે, જે તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી હેલ્મેટ પૂરો પાડે છે. લિગંભેદ ઓછો છે તેથી પુરુષ મોટરસાયકલ ચાલક પાછળ સ્ત્રીઓ ફરતી જોવા મળી.

ધીમંત પુરોહિત : એવી કોઈ ઘટના જે તમને હંમેશા યાદ રહી જશે.?

તખુભાઈ : હા,વાત એ હતી કે રવાન્ડાનું મુખ્ય આકર્ષણ ગોરીલા દર્શન, ટ્રેકિંગ હતું .પરંતુ આ પાર્કની પરમિટ ફી રૂપિયા ૧૫૦૦ અમેરિકન ડોલર હતા. એટલે કે તે ભારતીય ચલણમાં રૂપિયા ૧ લાખથી વધુ થાય .જે ચૂકવી શકવા અમે સક્ષમ નહોતા. અમે ત્યાની સરકારના એક મંત્રી ગાત્રેજી સાથે આપસ- આપસમાં પરિચય કેળવ્યો હતો. તેમણે ટુરીઝમ ડેવલોપમેન્ટ સાથે સર્જકો, સાક્ષરો, પત્રકારોને સરકાર મંજૂરી આપે છે એમ જણાવ્યું. અમે ત્યાંની સરકાર સાથે, તેના પ્રવાસન વિભાગ સાથે પત્ર વ્યવહાર કર્યો, વિનંતી કરી. જેથી એની પારદર્શકતા, તુમારનિકાલ નીતિઓથી અમો ચાર મિત્રો મારા સહિત જિતુભાઈ જોશી,મુકેશ પંડિત, મનોજ જોશીને ૨૭-૪-૧૯ ના  રોજ વાલ્કાનોઝ નેશનલ પાર્કની ગોરીલા ટ્રેકિંગમાં જવા માટેની કોમ્પ્લીમેન્ટરી પરમિશન ગ્રાંટ થઈ. તેનો લેટર ઇમેલથી અમોને મોકલવામાં આવ્યો. અમો તેનાથી ખૂબ રોમાંચિત, પ્રભાવિત થયા. સવારે ત્યાંની સરકારી ગાડીમાં સવાર થઈ વાલ્કાનોઝ નેશનલ પાર્ક જોઈ શક્યા.એટલું નહિ ૨૨ વર્ષના સિલ્વરબેક કેવાય એવા ગોરીલાની પીઠ ઉપર હાથ અડાડવા જેવો અનુભવ યાદગાર બની રહ્યો.

ધીમંત પુરોહિત : તમારા સફરનામાના અકૅ તરીકે કંઈ કહેવું હોય તો શું કહો?

તખુભાઈ : પુ.મોરારીબાપુના શબ્દોમાં જ કહું. ;

” બાપ ,આનંદ હી આનંદ…”

Previous articleમાઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે