ભાવનગર શહેર-જિલ્લામાં ગત સપ્તાહે એક પછી એક એમ પાંચ હત્યા થયા બાદ એક સપ્તાહના વિરામ પછી આજે વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ કાફલો બનાવની જાણ થતા ઘટનાં સ્થળે દોડી ગયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના સુમારે સુંદરાવાસ બંગલા પાછળ યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા બોરતળાવ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસ કરતા સરદારનગર વિસ્તારમાં રહેતા યુવાન વિનીલ અજયભાઇ ભડીયાદ્રા નામના ૧૯ વર્ષિય સોની યુવાનની હોવાનું ખુલવા પામેલ.
આ અંગે યુવાનના વાલીને જાણ કરતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા. બનાવ અંગે અજયભાઇ વી. ભડીયાદ્રાએ સંજયભાઇ લાખાભાઇ આલગોતર, વિપુલ ભગાભાઇ બુધેલીયા, પ્રવિણભાઇ આલગોતર તથા એક અજાણ્યો શખ્સ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે વિનીલ સાથે છેલ્લા છ માસથી નાણાંની લેવડ દેવડ મામલે આ ચારેય શખ્સો મારામારી કરતા અવાર નવાર વિનીતને ધમકી આપતા હતા અને આંતરિક બીક બતાવતા હતા જ્યારે આજરોજ ચારેય શખ્સોએ પૈસા બાબતે વિનીતને બાઇક પર વચ્ચે બેસાડી સુંદરાવાસ બંગલા પાછળ લઇ ગયેલા અને છરીઓ સહિતનાં હથિયારો વડે હત્યા કરી નાસી છૂટ્યા હતા.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસે અજયભાઇ ભડીયાદ્રાની ફરિયાદ લઇ ચારેય શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૩૬૪, ૧૧૪, ૧૩૫ સહિતની કલમો સાથે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચારેય આરોપીઓ પોલીસનાં હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે. ત્યારે ભાવનગરમાં એક સપ્તાહના વિરામ બાદ વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામેલ છે.