ગામમાં વરઘોડો કાઢવા બદલ સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા દલિતોનો બહિષ્કાર

920

કડીના લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. દલિત પરિવારે બે દિવસ પહેલા વરઘોડો કાઢતા આજે(૯ મે) ગામ લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. તેમજ ગ્રામજનોએ બેઠક કરીને નક્કી કર્યું હતું કે જો ગામનો કોઈ વ્યક્તિ દલિતોને કોઈ વસ્તુ આપશે તો તેની પાસેથી રૂ. ૫,૦૦૦નો દંડ લેવાશે. પોલીસે જણાવ્યા મુજબ, આ કેસના ફરિયાદી મનુભાઈ ભીખાઈ ભાઈ પરમારના પુત્ર મેહુલ પરમારના લગ્ન હતા. આ દરમિયાન તેનો વરઘોડો નીકળ્યા બાદ ગામના આગેવાનો અને સરપંચે તેનો વિરોધ કર્યો હતો. તેમજ ગર્ભિત ચીમકી ઉચ્ચારતા કહ્યું કે તમે તમારી મર્યાદામાં રહો. ત્યાર બાદ ગામના અન્ય સમાજના લોકો એકઠા થયા અને દલિતોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવી નહીં અને સારો વ્યવહાર કરશો તો ૫ હજારનો દંડ થશે.

ત્યાર બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને પગલે પોલીસે દલિત વિસ્તારની મુલાકાત લઈ આગેવાનોને પૂછીને ફરિયાદ લીધી હતી. હાલ સરપંચની અટકાયત કરવામાં આવી છે. તેમજ અન્ય ચાર આરોપીને ઝડપી લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

કડીના લ્હોર ગામમાં લગ્ન પ્રસંગે એક દલિત પરિવારે વરઘોડા કાઢ્યો હતો. ત્યાર બાદ ગામ લોકોએ આ વરઘોડાને અન્ય વિસ્તારમાં ન લઇ જવાનું કહ્યું હતું. એટલું જ નહીં વરઘોડા દરમિયાન માથાકૂટ પણ થઈ હતી. જોકે, દલિતોએ વરઘોડો કાઢતા ગામના અન્ય સમાજના લોકો એકઠા થયા હતા અને દલિત પરિવારોનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું.

Previous articleધોરણ ૧૨ સાયન્સ પરિણામને લઈને નર્મદા કેનાલ પર પોલીસનો પહેરો
Next articleશિક્ષિકાએ પિતાના ઘરે એસિડ પી આપઘાત કર્યો