શહેરના સેક્ટર-૩/ન્યુમાં છેલ્લા ઘણા સમયથી ગટરના બેક મારતા પાણી સ્થાનિક રહિશો માટે આફત બન્યા છે. ઘર આંગણે આવેલી ચોકડીમાં પણ ભરાઇ રહેતાં દુર્ગંધ યુક્ત પાણીના પગલે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ સમસ્યા અંગે અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. પાટનગરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાવાના કારણે રહિશોને હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે નવા સેક્ટરોમાં આ સમસ્યામાં દિન – પ્રતિદિન વધારો થઇ રહ્યો હોય તેમ ઠેકઠેકાણે ગટરો ઉભરાઇ રહી છે અને તેના ગંદા પાણી આસપાસના વિસ્તારોમાં વહેતાં અવર જવર કરવામાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સે.-૩/ન્યુ માં પ્લોટ નં. ૧૭૨ની આસપાસ છેલ્લા ઘણા સમયથી ગટરોના ગંદા પાણી બેક મારી રહ્યાં છે. દુર્ગંધ યુક્ત પાણી ઘર આંગણે આવેલી ચોકડીમાં પણ ભરાઇ રહેતાં મચ્છરોમાં પણ વધારો થઇ રહ્યો છે.
તો બીજી તરફ સતત પાણી બેક મારતાં ચોકડીઓ પણ ગંદા પાણીથી ભરાઇ જાય છે અને તેનો ઉપયોગ પણ થઇ શકતો નથી. આમ દુર્ગંધ યુક્ત પાણીના કારણે સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આ સમસ્યા અંગે તંત્ર સમક્ષ અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ કામગીરી કરવામાં નહીં આવતાં રહિશોમાં પણ રોષ ઉભો થયો છે.