NDPS કેસમાં સંજીવ ભટ્ટને જામીન આપવા માટે ઇનકાર

639

ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને એનડીપીએસ(નારકોટીક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એકટ,૧૯૮૫)ના એક જૂના કેસમાં જામીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. જેને લીધે સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી છે. ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ સપ્ટેમ્બર-૨૦૧૮થી જેલમાં બંધ છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ગુજરાત સીઆઈડીએ સપ્ટેમ્બર, ૨૦૧૮માં ૨૨ વર્ષ જૂના એક મામલામાં ધરપકડ કરી હતી. પૂર્વ આઈપીએસ અધિકારી અને ૭ અન્ય વ્યક્તિઓએ ૨૨ વર્ષ પહેલાં કથિત રીતે માદક પદાર્થ રાખવાના મામલામાં એક વ્યક્તિની પુછપરછ કરવા માટે ધરપકડ કરી હતી. ત્યારે સંજીવ ભટ્ટ ૧૯૯૬માં બનાસકાંઠા જિલ્લાના પોલિસ અધિક્ષક હતા.

ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટના નેતૃત્વમાં બનાસકાંઠા પોલીસે વકીલ સુમેર સિંહ રાજપૂતની લગભગ એક કિલોગ્રામ માદક પદાર્થ રાખવાના આરોપમાં ૧૯૯૬માં ધરપરડ કરી હતી. તે સમયે બનાસકાઠા પોલીસે દાવો કર્યો હતો કે, માદક પદાર્થ જિલ્લાના પાલનપુરમાં હોટલના તે રૂમમાંથી મળ્યો હતો, જેમા રાજા પુરોહિત રોકાયા હતા. રાજસ્થાન પોલીસની તપાસમાં એ વાત પ્રકાશમાં આવી હતી કે, રાજપુરોહિતને આ મામલામાં બનાસકાંઠા પોલીસે ખોટી રીતે ફસાવ્યો હતો.

જેથી તેની પર પોતાની રાજસ્થાનના પાલી સ્થિત વિવાદિત સંપતિ ટ્રાન્સફર કરવા માટે દબાણ કરી શકાય. બાદમાં સમગ્ર કેસની તપાસ સીઆઇડીને સોંપાઇ હતી અને આખરે આ કેસમાં સંજીવ ભટ્ટની સંડોવણી સામે આવતાં તેમની પણ ધરપકડ કરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દેતાં તેમણે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમકોર્ટમાંથી પણ સંજીવ ભટ્ટને કોઇ રાહત નહી મળતાં તેમની મુશ્કેલી વધી છે.

Previous article‘મોદી’ની ‘ગાંધીગિરી’ઃ મમતા દીદીની થપ્પડ મારા માટે આશિર્વાદ સમાન
Next articleમગફળી, તુવેર બાદ માર્કેટ યાર્ડમાં હવે ખાતરનું કૌભાંડ