સૌરાષ્ટ્રમાં મગફળી, તુવેર કૌભાંડ બાદ હવે ખાતર કૌભાંડ સામે આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં સરદાર ડીએપી ખાતરની બોરીઓમાં એક બોરીમાં ૫૦૦ ગ્રામ વજન ઓછુ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો તો, સમગ્ર કૌભાંડને લઇ સરકારી તંત્ર પણ દોડતું થઇ ગયુ હતું. એટલું જ નહી, જેતપુરના આ ખાતર કૌભાંડ બાદ તંત્ર દ્વારા રાજકોટ સિવાય રાજયના ભાવનગર, સુરત, વડોદરા, સાબરકાંઠા, ઓલપાડ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરાઇ હતી, જયાં પણ ખાતરના જથ્થામાં ઘટ સામે આવતાં તંત્ર પર માછલા ધોવાવાના શરૂ થઇ ગયા હતા. વિવાદ વકરતાં રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુએ તપાસના આદેશો જારી કર્યા હતા અને સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. ખાતર કૌભાંડ બાદ સરકારી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે યાર્ડમાં દોડી આવ્યા બાદ અને તેમની તપાસ અને ખરાઇમાં પણ બોરીઓમાં ખાતરનું વજન અને જથ્થો ઓછો હોવાની વાત પુરવાર થઇ હતી. જેને પગલે હજારો ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ સમગ્ર મામલે ધરણાં પર બેસી જઇ આ કૌભાંડને લઇ જવાબ માંગ્યો હતો. ખાતર કૌભાંડને લઇ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢીયા અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયાએ જેતપુરમાં સહકારી રાહે વેચાતા ડીએપી ખાતરમાં કૌભાંડ હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, એક થેલીમાં ગ્રોસ વજન ૫૦.૧૨ કિલોગ્રામ અને નેટ વજન ૫૦ કિલોગ્રામનું લખાણ છે.
પરંતુ અમુક થેલીમાં ૧ કિલોથી માંડી ૫૦૦ કિલોગ્રામ ઓછું ખાતર હોવાનું જાણવા મળ્યું હતું. તો રાજકોટ માર્કેટ યાર્ડમાં જીએસએફસીના ડેપોમાં ખાતે પણ એક થેલીમાં ૫૦ કિલોએ ૮૫૦ ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઇ ખેતીવાડી અધિકારી બી.એમ આગઠ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તંત્ર દ્વારા ખાતરનું વેચાણ ખાતરના સ્ટોકને લઇને પંચનામું કર્યું હતું. ખાતરના જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિવાદ વકરતાં સરકાર પણ હરકતમાં આવી હતી અને ખુદ કૃષિમંત્રીએ તપાસના આદેશ જારી કર્યા હતા. પાલભાઇ આંબલીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એક થેલીમાં ૪૯.૫૫૦, ૪૯.૭૮૦, ૪૯.૬૩૦ વજન આવે છે. દરેક થેલીએ ૫૦૦ ગ્રામથી ૩૦૦ ગ્રામ જેટલું વજન ઓછું આવે છે. ૧૪૦૦ રૂપિયામાં આવતી ડી.એ.પી.ની એક થેલીમાં ૧૦ રૂપિયાથી લઈ ૧૫ રૂપિયાની કિંમતનું ઓછું ખાતર આપવામાં આવી રહ્યું છે. કરોડો થેલીનું ઉત્પાદન કરવામાં આવે છે. ભોળા ખેડૂતોને ખબર પણ રહેતી નથી કે એની ખાતરની થેલીમાં ખાતર નક્કી થયેલ વજન મુજબ આવતું નથી. દરમ્યાન ખાતરની બોરીઓમાંથી ઓછુ ખાતર નીકળવાના મામલે એનસીપી નેતા રેશ્મા પટેલે નિવેદન આપતા કહ્યું કે, સૌરાષ્ટ્રમાં વારંવાર જગતના તાતને છેતરવામાં આવી રહ્યા છે. મગફળી, તુવેર, મરચા અને બારદાન જેવા કૌભાંડોથી ખેડૂતોની આંખો લાલ થઇ થઇ ચૂકી છે. આવા કૌભાંડોના કોઇ સચોટ નિવેડા આવ્યા નથી. ત્યા આવા ભયંકર દુષ્કાળમાં મોંઘા-દાટ ખાતરોનાં કૌભાંડોના કોથળા ખૂલ્યા છે. સરકાર માન્ય જીએસએફસી દ્વારા અપાતા ડીએપી ખાતરની બોરીમાં ૫૦૦થી ૭૦૦ ગ્રામ ખાતર ઓછુ આપી ખેડૂતોનાં પરસેવાની કમાણી માત્ર ભ્રષ્ટાચારમાં સમાણી છે. આ શરમજનક ભ્રષ્ટાચારનો હું ખેડૂતની દિકરી તરીકે ખુલીને વિરોધ કરૂ છું. સત્તાના નશામાં ચકનાચુર ભાજપ સરકાર સામે ખેડૂતોના ન્યાય માટે ઉગ્ર માંગણી સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.