ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. પરિણામમાં અમદાવાદના એક સફાઇ કામદારનો દીકરો પણ ઝળક્યો છે. યશ અધિકારી નામના વિદ્યાર્થીના પિતા અશોકભાઈ શૌચાલયના કેર ટેકર તરીકે કામ કરે છે. યશે ધોરણ-૧૨ સાયન્સમાં ૯૯.૬૦ પર્સેન્ટાઇનલ મેળવ્યા છે, જ્યારે યશનું ધોરણ-૧૨નું પરિણામ ૯૩.૬૦ ટકા આવ્યું છે.યશે જણાવ્યું હતું કે તેના પિતા અશોકભાઈ શૌચાલયમાં કેર ટેકર તરીકેનું કામ કરે છે, જ્યારે માતા ગૃહિણી છે. યશનો મોટા ભાઈ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. યશે જણાવ્યું કે તે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. સારા માર્ક્સ અંગે વાત કરતા યશે જણાવ્યું હતું કે, તે દરરોજ છ કલાક વાંચન કરતો હતો. મહેનત અને પેપર સોલ્વિંગથી તેણે સારા માર્ક્સ મેળવ્યા છે. અભ્યાસની ફી કે અન્ય બાબતે અંગે તકલીફ પડી હોવા અંગે યશે જણાવ્યું હતું કે, ’પરિવાર મધ્યમ વર્ગનો હોવા છતાં કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો ન હતો.
મેં ખૂબ મહેનત અને લગનથી અભ્યાસ કરીને સારા પર્સેન્ટાઇલ મેળવ્યા છે.’