ઓસ્ટ્રેલિયા ઈલેવને સ્ટીવ સ્મિથના અણનમ ૯૧ અને ગ્લેન મેક્સવેલના ૭૦ રનોની મદદથી વિશ્વ કપની તૈયારીઓ માટે આયોજીત પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ ઈલેવનને ડકવર્થ લુઈસ નિયમથી ૫ વિકેટે પરાજય આપ્યો હતો. શુક્રવારે બ્રિસ્બેનમાં વિલ યંગની સતત બીજી સદીની મદદથી ન્યૂઝીલેન્ડ ઇલેવને ૫૦ ઓવરમાં ૯ વિકેટ પર ૨૮૬ રન બનાવ્યા હતા. પરંતુ ખરાબ પ્રકાશને કારણે મેચ રોકાયો તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૪ ઓવરોમાં ૫ વિકેટ પર ૨૪૮ રન બનાવી ચુકી હતી અને ડકવર્ષ લુઈસ નિયમ પ્રમાણે જીત માટે ૪૪ ઓવરોમાં ૨૩૩ રન બનાવવાના હતા. ત્રણ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ૨-૧થી વિજય હાસિલ કર્યો છે.
બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે લાગેલા એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરનાર પૂર્વ કેપ્ટન સ્મિથે સતત બીજી અડધી સદી ફટકારી, તેણે બીજા મેચમાં પણ અણનમ ૮૯ રન બનાવ્યા હતા. સ્મિથની જેમ મેક્સવેલ પણ સારા ફોર્મમાં છે, જેણે ૪૮ બોલ પર ૭૦ રન ફટકાર્યા, જેણે બુધવારે પણ આક્રમક અડધી સદી ફટકારી હતી.
તો ૨૬ વર્ષનો યુવા ખેલાડી યંગ ન્યૂઝીલેન્ડની વિશ્વકપની ટીમમાં નથી, તેણે બુધવારે પણ ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ ૧૩૦ રન બનાવ્યા હતા. યંગે ફરી (૧૧૧) રનની ઈનિંગ રમી હતી. બ્રિસ્બેનમાં બિનસત્તાવાર મેચમાં ઓપનિંગ બેટ્સમેન જોર્જ વર્કરે ૫૯ રનનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયા માટે કમિન્સે ૮ ઓવરોમાં ૩૨ રન આપીને ૪ વિકેટ મેળવી, જ્યારે મિશેલ સ્ટાર્કને એક સફળતા મળી હતી. આ બંન્ને ત્રણ મહિનામાં પ્રથમ વખત એક સાથે રમી રહ્યાં હતા કારણ કે સ્ટાર્કે ઈજા બાદ વાપસી કરી છે. એડમ ઝમ્પા અને માર્કસ સ્ટોઇનિસે બે-બે વિકેટ ઝડપી હતી.
એક જૂને બ્રિસ્ટલમાં અફગાનિસ્તાન વિરુદ્ધ પોતાનું વિશ્વ કપ અભિયાન શરૂ કરતા પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ સાઉથમ્પટનમાં બે પ્રેક્ટિસ મેચ રમશે.