રિષભ પંત આજના સમયનો વીરેન્દ્ર સેહવાગ છે : માંજરેકર

622

પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે કહ્યું કે, રિષભ પંત આજની તારીખનો વીરેન્દ્ર સેહવાગ છે. માંજરેકર પ્રમાણે પંતની સાથે જુદુ વર્તન થવું જોઈએ અને તેને સ્વાભાવિક રમત માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. માંજરેકરે પોતાના ટ્‌વીટમાં કહ્યું, ’પંત આજના સમયનો વીરુ છે. આ બેટ્‌સમેન સાથે અલગ વર્તન થવું જોઈએ. તે જેવો છે, તેને તેવો રહેવા દેવો જોઈએ. તમે તેને ટીમમાં પસંદ કરો કે ન કરો, તેની રમતમાં ફેરફાર નહીં આવે.’

પંતે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલા એલિમિનેટર મુકાબલામાં દિલ્હી માટે ૨૧ બોલમાં ૪૯ રનની તોફાની ઈનિંગ રમી અને દિલ્હીને જીત સુધી પહોંચાડ્યું હતું. તે મેન ઓફ ધ મેચ જાહેર થયો અને મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી મનાતા પંતે આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી ૧૫ મેચોમાં ૪૫૦ રન બનાવ્યા છે.  પરંતુ પંતને વિશ્વ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી કારણ કે પસંદગીકારોએ પંતની જગ્યાએ અનુભવી દિનેશ કાર્તિકને ટીમના બીજા વિકેટકીપર તરીકે તક આપી છે. બીસીસીઆઈના પસંદગી પ્રમુખ એમએસકે પ્રસાદે ટીમ પસંદગી બાદ કહ્યું હતું કે, પંત અસાધારણ પ્રતિભા છે અને તેની પાસે હજુ સમય છે પરંતુ આ વખતે ટીમમાં પસંદગી ન થવી દુર્ભાગ્યપૂર્ણ છે.

Previous articleવિશ્વ કપ પહેલા સ્મિથની ધમાકેદાર ઈનિંગ, ઓસિ.એ ન્યૂઝીલેન્ડ સામે જીતી સિરીઝ
Next articleસેંસેક્સ વધુ ૯૬ પોઈન્ટ ઘટીને ૩૭૪૬૩ની નીચી સપાટી પર