કેનાલોમાં પાણી બંધ કરાયા બાદ ઉનાળાની શરૂઆતથી જ સરહદી સુઇગામ,વાવ વિસ્તારનાં છેવાડાના ગામોમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે.તંત્ર દ્વારા સબ સલામતની વાતો કરાય છે.પરંતુ છેવાડાના ગામડાઓની વાસ્તવિકતા કંઈક અલગ છે. સરહદી સુઇગામ તાલુકાના છેલ્લા ગામ દુદોસણમાં નજીકના ધરેચણ ગામના ખારા પાણીના બોરમાંથી પાણી પૂરું પડાય છે.પરંતુ પાણી તદ્દન ઓછું આવે છે.જેને લઈ ગ્રામજનોને પૂરતું પાણી મળતું નથી ગામના ગોંદરે આવેલા સંપ માંથી ગામમાં ઘરેઘરે પાણી પહોંચડાય છે.
કૂવામાં હોય તો હવાડા માં આવે ને સંપમાં જ પૂરતું પાણી આવતું ન હોઈ ગ્રામજનો સંપમાંથી ડોલ બાલ્ટી વડે ખેંચી બેડાં ઉપાડી ઘરે પીવાનું પાણી લઈ જવા મજબુર બન્યા છે.ખુલ્લો સંપ ખારું અને આરોગ્યને હાનિકારક એવું પાણી અને અપૂરતા પાણીને લઈ ગામની ગૃહિણીઓ સાથે નાની બાલિકાઓ પણ ધોમધખતા તડકા માં સંપ માંથી અશુદ્ધ પાણી ભરવા મજબુર બની છે.
એક બાજુ તંત્ર સબ સલામત ની ગુલબંગો પોકારે છે. ત્યાં વરવી વાસ્તવિકતા એ છે કે છેલ્લા કેટલાય વર્ષો દુદોસણ ગામના ગ્રામજનો આવી પાણીની પારાયણ ની હાડમારી ભોગવી રહ્યા છે. ભૂગર્ભ સંપની બાજુમાં ઓવરહેડ ટાંકી,ખાલી હવાડો,નળ વગરનાં તૂટેલા ભૂંગળા વાળું નળ સ્ટેન્ડ,અને ઓવરહેડ ટાંકી નીચે તરસી ગાયો પાણીની પીડાની ચાડી ખાય છે.