ગાંધીનગર શહેર નજીક રાયસણમાં બનેલી પંડિત દિનદયાળ આવાસ યોજનામાં છેલ્લા ઘણા સમયથી ઉદભવેલી વિવિધ સમસ્યાઓથી વસાહતીઓ તોબા પોકારી ઉઠયા છે. પાણીના પોકારની સાથે લીફટમાં મેઈન્ટેનન્સ થતું નથી અને મકાનોમાં ભેજના કારણે વસાહતીઓ ત્રસ્ત થયા છે અને આ મામલે ગુડા કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતાં નથી.
સરકાર દ્વારા વિવિધ શહેરોમાં ગરીબ પરિવારો માટે આવાસ યોજના બનાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે પણ આવાસ બાંધવામાં આવ્યા છે. જેમાં રાયસણ ખાતે ગુડા દ્વારા બે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી હતી અને ત્યાં હાલ ફાળવણી થઈ જતાં લોકો રહેવા માટે પણ આવી ગયા છે. પરંતુ ત્યાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.
જેના કારણે વસાહતીઓની સ્થિતિ કફોડી બની છે એટલું જ નહીં લીફટની સુવિધા હોવા છતાં મેઈન્ટેનન્સના અભાવે લીફટ ચાલતી નથી અને આ મકાનોના હલકી ગુણવત્તાવાળા બાંધકામના કારણે સતત ભેજ વધી રહયો છે.
આ સમસ્યાઓના નિરાકરણ માટે વસાહતીઓએ અનેકવાર ગુડા કચેરીમાં રજુઆત કરી હોવા છતાં સમસ્યાઓનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જેથી આગામી સમયમાં હવે આ વિસ્તારના વસાહતીઓ આંદોલનનો માર્ગ અપનાવે તો નવાઈ નહીં. નોંધવું રહેશે કે ગુડાએ જે તે એજન્સીને આ મકાન બાંધવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવા છતાં તેની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે જેથી એજન્સી સામે પણ પગલાં ભરાવા જોઈએ.