ખેડૂતોની મોટી જીતઃ પેપ્સીએ ખેડૂતો સામે કરેલા તમામ કેસો પાછા ખેંચ્યા

780

ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોના બહુરાષ્ટ્રિય કંપની પેપ્સી સામે મોટી જીત થઇ છે. બટાકાનાં બિયારણ બાબતે પેપ્સી કંપનીએ ગુજરાતનાં નવ ખેડૂતો પર અલગ-અલગ કોર્ટોમાં કેસ કર્યા હતા અને એક કરોડથી વધુનું વળતર ખેડૂતો પાસે માગ્યું હતુ.

ખેડૂત સગંઠનો અને કર્મશીલો ખેડૂતોની વહારે આવતા સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા જાગી હતી અને સરકારે પણ ખેડૂતો તરફી વલણ દાખવતા અંતે પેપ્સીએ ખેડૂતો પર કરેલા તમામ કેસો પાછા ખેંચ્યા છે.

ખેડૂત સગંઠનોએ આને તેમની મોટી જીત ગણાવી છે અને સાથે સાથે સરકારને ટકોર પણ કરી છે કે, સરકારે ખેડૂતોનાં બિયારણ પરનાં અધિકારો કાયમ રહે તે માટે ખેડૂતોનાં હિતમાં નિર્ણયો લેવા જોઇએ અને ભવિષ્ય પેપ્સી જેવી કોઇ કંપની ખેડૂતોને પરેશાન ન કરે તે ધ્યાન રાખવું જોઇએ.

અમેરિકાની બહુરાષ્ટ્રિય કંપની પેપ્સીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા ચાર ખેડૂતો પર અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કરોડો રૂપિયાનાં દાવા કર્યા હતો. જેમાં થોડા દિવસો પહેલા અમદાવાદમાં કોર્ટ સુનાવણી દરમિયાન પેપ્સી કંપનીએ કોર્ટ બહાર સમાધાન કરવાની ઓફર મૂકી હતી.

પેપ્સી કંપનીએ બટાટાની ખેતી કરતા ખેડૂતો પર કેસ કર્યા છે એ સમાચાર આવ્યા બાદ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ ખેડૂત સંગઠનોનાં આગેવાનો, કર્મશીલો અને તજજ્ઞોએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બટાટાની ખેતી કરતા નવ જેટલા ખેડૂતો સામે પેપ્સી કંપનીએ અલગ-અલગ કોર્ટોમાં વળતરનાં દાવા માંડ્‌યા છે.

પેપ્સી કંપનીએ આ ખેડૂતો પર આક્ષેપ કર્યો હતો કે, તેઓ પેપ્સી કંપનીએ વિકસાવેલી બટાટાની વિશેષ જાતનું બિયારણ વાવીને ખેતી કરે છે અને એવો દાવો કર્યો હતો કે, ખેડૂતો ગેરકાયદેસર રીતે આ બિયારણનો ઉપોયગ કરી બટાટાની ખેતી કરે છે.

જો કે, ખેડૂતોનાં અધિકાર માટે લડતા સગંઠનો અને કર્મશીલોએ કહ્યું કે, ભારતનાં કાયદાઓ પ્રમાણે ખેડૂતોનો બિયારણ પર અધિકાર છે અને તેથી તેમની સામે કોઇ કેસ કરી શકાય નહીં અને કંપની પર એવો આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતોને દબાવવા માટે અને ડરાવવા માટે આવા કેસો કર્યા છે.

Previous articleઅયોધ્યા ગૂંચ : મધ્યસ્થતા પેનલને ૧૫મી ઓગસ્ટ સુધી મહેતલ મળી
Next articleવરઘોડાને કાઢવામાં દલિતોના બહિષ્કારની મડાગાંઠ યથાવત