અમરેલી જિલ્લાનાં વડીયા ગામે રહેતા આહીર યુવાનની ૧૯ વર્ષની પૂર્વે મહુવા-સાવરકુંડલા રોડ પર નાના જાદરા ગામ પાસે રસ્તા ઉપર સુવરાવી માથે લકઝરી બસ ચલાવી હત્યા કરનારને મહુવા કોર્ટે આજે આજીવન સજા ફટકારી હતી જો કે સજા સુનાવણી સમયે આરોપી ફરાર રહ્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લાનાં વડીયા ગામે રહેતા આહીર યુવાન રમેશભાઈ જીકુભાઈ ચુડાસમાં ઉ.વ.૨૭ ગત તા.૩-૩-૧૯૯૯નાં રોજ પથરીનાં દર્દ માટે મહુવા સારવારમાં આવેલ હોય અને મહુવાની સીટીઝન ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો જ્યાં બે વર્ષ પૂર્વે સુનિલ ધરમશીભાઈ પરબતાણી અને દિનેશ ઉર્ફે દિનો શંભુભાઈ કોળી જેની સાથે બે વર્ષ પૂર્વે મારામારી થયેલ જેનું સમાધાન થયુ હતું ને બન્ને તા.૪નાં રોજ રાત્રીનાં ૯-૩૦ કલાકે આવ્યા હતા જ્યા સાથે ભોજન પણ કર્યુ હતું ત્યારબાદ ગેસ્ટ હાઉસમાં રમેશભાઈ સાથે બન્નેએ બોલાચાલી કરેલ અને અગાઉની વાતે ફરી અદાવત રાખી સુનિલ તથા દિનેશ બન્નેએ એક સંપ કરીને પોતાની લકઝરી બસ નં. જીજે ૩ ટી ૮૪૪૭માં રમેશભાઈને બેસાડી લઈ જઈ મહુવા-સાવરકુંડલા રોડ પર નાના જાદરા ગામ પાસે જઈને રમેશભાઈને લકઝરી બસનાં આગળનાં વ્હીલ નીચે સુવરાવી દિનેશે પકડી રાખેલ અને સુનીલે લકઝરી બસ રમેશ ઉપર ચલાવી મોત નિપજાવી લાશને રોડ ઉપર ગોઠવી દઈને નાસી ગયેલ અને બસને ધોઈ નાખી પુરાવાનો નાશ કરેલ.
આ બનાવ અંગે મૃતકનાં મિત્ર પ્રેમજીભાઈ રામજીભાઈ વણકરે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની સહિતની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ દરમ્યાન આ અંગેનો કેસ મહુવા કોર્ટમાં બીજા એડીશ્નલ સેશન્સ જજ એસ.એમ. પટેલની કોર્ટમાં ચાલી જતા આધાર પુરાવા, સાક્ષી તથા સરકારી વકીલ વિજયભાઈ માંડલીયાની દલીલો ગ્રાહ્ય રાખી સુનિલ ધરમશી પરબતાણીને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે બીજો આરોપી દિનેશ ઉર્ફે દિનો ચાલુ કેસ દરમ્યાન મરણ ગયેલ હોય તેને એબેટ જાહેર કરેલ અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી ત્રણેક મુદતથી આરોપી સુનિલ હાજર રહેતો ન હતો અને આજે આવ્યો હતો પરંતુ તેને સજા અંગે જાણ થઈ ગઈ હોય તે નાસી છુટ્યો હતો આથી અદાલતે તેના નામનું વોરંટ પણ ઈસ્યુ કર્યુ હતું. જ્યારે મહત્વની બાબત એ રહી કે મહુવા કોર્ટનાં જજ એસ.એમ. પટેલનો આજે નિવૃત્તિનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે કેસનોે ફેંસલો આપ્યો હતો તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.