લોકસભા ચુંટણીમાં પ્રચારમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આજે વ્યસ્ત રહ્યા હતા. રાહુલ ગાંધીએ આજે મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના શુજાલપુર ખાતે ચૂંટણી રેલ યોજી હતી. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ગાળો આપે છે પરંતુ તેઓ તેમને ઝપ્પી આપે છે. આજે દેવાસ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ટિપાનિયાના સમર્થનમાં ચૂંટણી રેલી યોજતા રાહુલ ગાંધીએ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, તેઓ મોદીથી નફરત કરતા નથી. નરેન્દ્ર મોદી જેટલી નફરત કરે કરી શકે છે. મોદી પરિવાર અંગે જેટલુ પણ ઈચ્છે બોલી શકે છે. પરંતુ નફરતને નફરતથી દુર કરી શકાય નહી. નફરતની સાથે તેઓ નરેન્દ્ર મોદીને પરાજીત કરી શકે નહી. મોદીને માત્ર પ્રેમથી હરાવી શકાય છે. સંસદમાં ચર્ચા દરમિયાન મોદીને ગળે લાગવાની ઘટના તરફ ઈશારો કરતા રાહુલે કહ્યું હતું કે, જેટલી નફરત તમે કરશો એટલી ઝપ્પી અમે તમને આપશું.
રાહુલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના મનમાં ગુસ્સો છે નફરત છે પરંતુ અમારુ કામ નફરતને દુર કરવાનું છે. મોદી તેમના પિતા, દાદા, અન્યો અંગે વાત કરે છે નફરતથી બોલે છે પરંતુ અમે આને લઈને હેરાન નથી. પોતાના ભાષણની શરૂઆત રાહુલે ચોકીદાર ચોર હૈના નારા સાથે કરી હતી. રાહુલે ભાષણમાં જીએસટીનો વિરોધ કરીને કહ્યું હતું કે, અમે જીએસટીને લાગુ કરવા ઈન્કાર કરી રહ્યા હતા પરંતુ મોદીએ કોઈને વાત સાંભળી ન હતી. આવી જ રીતે નોટબંધીના સંદર્ભમાં પણ મોદીએ કોઈની સાથે વાત કરી ન હતી. દેશના લોકોની વાત પણ ન સાંભળી હતી. દેશના લોકોને ૧૫ લાખ રૂપિયા આપવાના ભાજપના વચન અંગે વાત કરતા રાહુલે કહ્યું હતું કે, મોદી માત્ર વચન આપી રહ્યા છે. પરંતુ જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ન્યાય યોજના લાવવામાં આવશે. અમે ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપી રહ્યા નથી. પરંતુ ન્યાય યોજના લઈને આવી રહ્યા છે. પોતાની ટીમને કહી ચુક્યા છે કે, એક સારી યોજના તૈયાર કરવામાં આવે. વડાપ્રધાનની જે ભાવના હતી તે સારી હતી. ૨૫ કરોડ લોકોને કેટલા પૈસા આપી શકાય છે તેવી વાત કરવામાં આવી હતી. મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં જે નુકસાન પહોંચાડ્યું છે તે નુકસાનની ભરપાઈ ન્યાય યોજના મારફતે કરવામાં આવશે. રાહુલે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી બે વિચારધારાની લડાઈ છે. એક બાજુ ભાજપ અને સંઘના લોકો છે અને બીજુ બાજુ કોંગ્રેસ પાર્ટીના લોકો છે.