ગુજરાતના ચેક પોઈન્ટ અને ટોલ નાકા ઉપર સતત ચેકીંગ

683

ગુજરાત રાજયના તમામ મહત્વના ચેક પોઇન્ટ્‌સ અને ટોલનાકાઓ પર હવે રાઉન્ડ ધ કલોક એટલે કે, સતત ૨૪ કલાક સઘન અને અસરકારક ચેકીંગ હાથ ધરવામાં આવશે. ગુજરાત પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગે રાજ્યમાં મહત્વના ચેક પોઇન્ટ અને ટોલ નાકાઓ ઉપર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ કરવા માટે આદેશો આપ્યા છે. જેને પગલે આરટીઓ સહિતના કર્મચારીઓની જવાબદારી વધી જશે. જો કે, કામગીરી શીફટવાઇઝ વહેંચવામાં આવશે. વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ વાહન વ્યવહાર અધિકારીઓને આદેશ કરાયો છે કે, રાજ્યમાં નિશ્ચિત કરવામાં આવેલા ૩૨ ચેક પોઈન્ટ ઉપરાંત યોગ્ય લાગે તેવા અન્ય ચેકિંગ પોઇન્ટ ઉપર સઘન ચેકિંગ કરવાના આદેશ કરવામાં આવે છે. આ ચેકીંગ રાઉન્ડ ધ કલોક એટલે કે, સતત ૨૪ કલાક કરવાનું રહેશે. ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કમિશનર કચેરીના સૂત્રો મુજબ, રાજ્યમાં હાલ ટોલનાકા સહિત ૩૨ ચેક પોઇન્ટ અને જગ્યાઓ ઉપર વાહનોનું ચેકિંગ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં ૧૫૦થી વધુ આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કામગીરીથી રાજ્ય સરકારની વાહન વ્યવહાર કચેરીને અત્યાર સુધીમાં અંદાજે સાત કરોડ રૂપિયાની આવક થઈ છે. તો બીજી તરફ, રાજ્યના ટોલનાકા ઉપરથી પસાર થતા વાહનોએ ટેક્સ ન ભર્યો હોય, ઓવરલોડ માલ સામાન ભર્યો હોય તેમજ ઓવર ડાયમેન્શન એટલે કે માલવાહક ટ્રક ટેન્કરમાં ભરેલા માલમાં નિશ્ચિત કરેલી લંબાઈ-પહોળાઈથી વધુ હોય તેવા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

આ આદેશમાં રાજ્યના તમામ આરટીઓએ ફરજીયાત ૧૨ કલાકની શિફ્‌ટ મુજબ આ કામગીરી કરવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ ચેકીંગનો રિપોર્ટ કામગીરી પૂર્ણ થયા બાદ ગૂગલશીટ મારફતે અપલોડ કરી તેની જાણ કરવાની રહેશે. જો કે, આ કામગીરી માટે કર્મચારીઓ અને અન્ય સ્ટાફ ઓછા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે, જે અંગે સરકારના સત્તાધીશોએ તાકીદે યોગ્ય નિર્ણય લેવો જોઇએ કે જેથી તેમના આ નિર્ણયની વધુ સારી રીતે અને અસરકારકતાથી અમલવારી થઇ શકે.

Previous articleગીરમાં શાકાહારી પ્રાણીઓની વસતી ગણતરી કરાશે, ૨૦ ટીમ બનાવાઈ
Next articleરાજ્યભરમાં પાસપોર્ટ ઓફિસનું સર્વર ડાઉન થતા અરજદારો રઝળ્યા