ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના કાળીયાબીડ, સાગવાડી વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરી નવ જેટલા મકાનની ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સીંગ હટાવી ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા. ભાવનગર મહાપાલિકાની ટીમ દ્વારા જાહેરરજાના દિવસે પણ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરનાં કાળીયાબીડ, સાગવાડી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ કામગીરીમાં તંત્ર દ્વારા નવ જેટલા મકાન ધારકો દ્વારા ગેરકાયદેસર રીતે ચણવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ તથા તાર ફેન્સીંગની વાડ પર બુલડોઝર ફેરવી રોડ પરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
દબાણ હટાવ કામગીરી અંગે અધિકારી સુરેશભાઇ ગોધવાણીએ લોક સંસારને જણાવેલ કે રસ્તા વચ્ચે કરાયેલ ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સીંગ સહિત ડઝન ઉપરાંત દબાણો હટાવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલ દબાણ હટાવ કામગીરીમાં મહાપાલિકાની ટીમ ઉપરાંત વીજકંપનીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. જ્યારે ગેરકાયદેસર દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.