ગત તા.૫મીના રોજ સરદારનગર વિસ્તારમાં રહેતા સોની યુવાનની બોરતળાવ નજીક સુંદરાવાસ બંગલા પાછળ ચાર શખ્સો દ્વારા છરીઓ સહિત તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે બોરતળાવ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરેલ જેમાં આજે એક સગીર સહિત ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વિનિલ ભડીયાદ્રા નામના સોની યુવાનની પૈસાની લેતી દેતીના મામલે ચાર શખ્સોએ મોટર સાયકલ પર વચ્ચે બેસાડી લઇ જઇ સુંદરાવાસ બંગલા પાછળ છરીઓના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પરિવારને જાણ કરતા પરિવાર પણ પહોંચી ગયો હતો. જ્યાં વિપુલ ભગવાનભાઇ બુધેલીયા (ઉ.વ.૧૮) રહે.માલધારી સોસાયટી, ભરતનગર રોડ, પ્રવિણ કનુભાઇ આલગોતર (ઉ.વ.૧૮) રહે. સુભાષનગર, વર્ષા સોસાયટી, રોહિત ઉર્ફે કાળો બાબુભાઇ બારૈયા (ઉ.વ.૧૮) રહે. ઘોઘારોડ, ૧૪નાળા પચાસ વારીયા, તથા એક સગીર આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવાય હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ હાથ ધરતા આજે બોરતળાવ પો.સ્ટે.ના પી.આઇ. રાવલ સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના આરોપીઓની તપાસ હતા તે દરમ્યાન સ્ટાફને મળેલી બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડથી ફુલસર જવાના રસ્તે હિરો ડીલક્ષ મોટર સાયકલ લઇને નીકળેલા વિપુલ ભગવાન બુધેલીયા (ઉ.વ.૧૮) તથા સગીર આરોપી નીકળતા તેને ઝડપી લીધા હતા અને બંનેને કોર્ટમાં રજુ કરતા વિપુલના તા.૧૪ સુધીના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરાયા હતા. જ્યારે સગીર આરોપીને ઓબ્ઝરવેશન રૂમમાં મુકવાનો આદેશ કરાયો હતો. બાદ અન્ય બે આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટાફ તપાસમાં હતો તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે હત્યાના બાકીના રહેલા બંને આરોપીઓ ૨૦૭૦ નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ કુંભારવાડા બાનુબાઇની વાડીમાં રહેતા તેના સંબંધીના ઘરે આવવાના છે તેવી બાતમી મળતા વોચ ગોઠવી આ બંને આરોપી નીકળતા તેને રોકી નામ પૂછતા પ્રવિણ કનુભાઇ આલગોતર (ઉ.વ.૧૮) તથા રોહિત ઉર્ફે કાળો બાબુભાઇ બારૈયા (ઉ.વ.૧૮) નામ જણાવતા બંનેની ધોરણસર અટકાયત કરી હતી. આમ સોની યુવાનની હત્યામાં સંડોવાયેલા ચારેય શખ્સોની બોરતળાવ પો.સ્ટે. દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.