મહિલા ટી૨૦ ચેલેન્જનું ટાઇટલ જીતનારી સુપરનોવા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે આ લીગની શરૂઆતી સિઝન શાનદાર રહી પરંતુ તેમાં વધુ ટીમો હોવી જોઈએ. સુપરનોવાએ હરમનપ્રીત કૌરની ૫૧ રનની ઈનિંગની મદદથી ફાઇનલ મુકાબલામાં શનિવારે અહીં વેલોસિટીને ૪ વિકેટથી પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. હરમનપ્રીતે મેચ બાદ કહ્યું ટૂર્નામેન્ટની સફળતાને જોતા તેમાં વધુ ટીમોની ભાગીદારી હોવી જોઈએ.
હરમનપ્રીતે કહ્યું, ’મારા માટે આ શાનદાર ટૂર્નામેન્ટ રહી, હું ઘણું શીખી અને બીજા ખેલાડીઓ માટે પણ આવું છે.’ અમે આ (ટૂર્નામેન્ટ)થી આવી આશા કરી રહ્યાં હતા. ફાઇનલ મુકાબલા દરમિયાન મેદાનમાં લગભગ ૧૫,૦૦૦ દર્શકો હાજર હતા જેણે હરમનપ્રીત કૌરનો જુસ્સો વધાર્યો. તેણે આગામી સિઝનમાં વધુ ટીમની માગ કરતા કહ્યું, અમે ભારતમાં ટી૨૦ લીગ રમવા ઈચ્છીએ છીએ જે રીતે તેનું આયોજન થયું તેનાથી ઘણા ખુશ છીએ. અમે આશા કરી રહ્યાં છીએ કે આગામી સિઝનમાં વધુ ટીમો અને વધુ મેચ હશે.
તેમણે કહ્યું કે, વિદેશી ખેલાડી પણ ઈચ્છે છે કે આગામી વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન મોટા સ્તર પર થાય. હરમનપ્રીતે કહ્યું, તે દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ માટે પણ આ લીગ કેટલી મહત્વની છે. વિદેશી ખેલાડી હંમેશા પૂછતા રહે છે કે ભારતમાં મહિલા લીગ ક્યારે અને ક્યાં યોજાશે જેથી તે રમી શકે. તમે જોઈ શકો છો કે બધા માટે આ કેટલું મહત્વ રાખે છે. તે અહીં રમવા માટે આતુર છે.
ફાઇનલમાં પોતાની અડધી સદી વિશે પૂછવા પર ભારતીય મહિલા ટી૨૦ ટીમની કેપ્ટને કહ્યું કે, ટીમને કામ આપવાથી તે ખુશ છે. તેણે કહ્યું, મેં મેચ પૂરો કરવા વિશે શીખ્યું છે, દરેક સમયે સિક્સ ફટકારવા પર નિર્ભર રહેવાથી કામ થતું નથી, ઘણી વખત તમારે મેચ જીતવા માટે મેદાન પર શોટ રમવાના હોય છે. મારા અધુરા કામને રાધા યાદવે પૂરુ કર્યું.
વેલોસિટી માટે ૩૨ બોલમાં ૪૦ રનની અણનમ ઈનિંગની સાથે એમેલિયા કેર (૩૬)ની સાથે છઠ્ઠી વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી કરનારી વિકેટકીપર સુષમા વર્માએ કહ્યું કે, આ ટૂર્નામેન્ટથી તેણે સકારાત્મક રહેવાનું શીખ્યું. તેણે કહ્યું, મેં અહીં અનુભવ કર્યો કે વિદેશી ખેલાડીઓનો દ્રષ્ટિકોણ ખુબ સકારાત્મક રહે છે. હું ઈચ્છીશ કે ભારતીય ખેલાડી પણ આવો દ્રષ્ટિકોણ રાખે. આ ટૂર્નામેન્ટમાંથી હું દરેક પરિસ્થિતિમાં તણાવ વગર રમતા શીખી છું.