ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને દસ ટકા સુધી રીબેટ આપવામાં આવી રહયું છે ત્યારે આ યોજનામાં અત્યાર સુધીમાં ૧૮૦૬૬ મિલકતધારકોએ લાભ લીધો છે અને ૮.૦૪ કરોડનો મિલકત વેરો કોર્પોરેશનમાં ભરાઈ ગયો છે જેમાં ૧.૬૩ કરોડનો ઓનલાઈન વેરો ભરાયો છે. જ્યારે ૨૬૫ મહિલા મિલકતધારકોએ પણ વળતરનો લાભ લીધો છે.
રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦૧૯-૨૦નો એડવાન્સ મિલકતવેરો ગત તા.૩જી એપ્રિલથી વસુલવાની શરૂઆત થઈ ગઈ છે. જેના પગલે મિલકતધારકોમાં પણ દસ ટકા રીબેટ મેળવવા માટે વેરો ભરવા ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. કોર્પોરેશનના વિવિધ સેન્ટરો ઉપર આ વેરો ભરવા માટે લાઈનો લાગી રહી છે ત્યારે તા.૯ મે સુધીમાં કોર્પોરેશનને ૮.૦૪ કરોડ રૂપિયાનો એડવાન્સ વેરો મળી ગયો છે.
આ વર્ષથી મહિલા મિલકતધારકોને દસ ટકા રીબેટની સાથે વધુ પાંચ ટકા રીબેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ૨૬૫ મહિલા મિલકતધારકોએ વળતરનો લાભ લીધો છે. તો ઓનલાઈન વેરો ભરનાર મિલકતધારકોને પણ વધુ બે ટકા રીબેટ મળી રહયું છે. એટલે ઓનલાઈન વેરો ભરનાર મિલકતધારકોની પણ સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૧.૬૩ કરોડનો ઓનલાઈન મિલકતવેરો ભરાઈ ગયો છે. કુલ ૧૮૦૬૬ મિલકત ધારકોએ વેરો ભરી દીધો છે તો હવે તા.૩૧મી મે સુધી તમામ શનિરવિની રજા અને અન્ય રજાના દિવસે પણ કોર્પોરેશનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલી ટેક્સ કલેકશન શાખા સવારે ૧૦થી ૪ કલાકના સમયમાં પણ મિલકતવેરો ભરી શકાશે.