પાલનપુરનાં રતનપુર નજીક બે લોડિંગ જીપ અને ટવેરા કાર વચ્ચે અકસ્માત થતાં બે વૃદ્ધ અને એક બાળક સહિત ત્રણના મોત અને ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ટવેરામાં સવાર લોકો પાલનપુરથી મા અંબાનાં દર્શન કરવા અંબાજી જઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડીજેના સ્પીકર ભરેલી જીપે ટવેરા અને ગાય ભરેલી જીપને ટક્કર મારી
આ અંગે મળતી માહિતી પ્રમાણે પાલનપુરનાં શક્તિનગરમાં રહેતા સૈની પરિવારના સભ્યો આજે(૧૨ મે)અંબાજી દર્શન કરવા માટે ટાવેરામાં જતા હતાં. આ દરમિયાન તેમની કાર રતનપુર નજીકથી પસાર થતી હતી ત્યારે જ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી અને લગ્નના ડીજેનાં સ્પીકરોથી ભરેલી જીપે ટવેરા તેમજ ગાય ભરીને જતી લોડિંગ જીપને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં ટાવેરાનો બૂકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં દેવાનંદભાઈ મોતીલાલ સૌની(ઉ.વ.૭૩), ગોદાવરીબેન રાઠી(ઉ.વ.૬૦) અને ભવ્ય અનિલ કુમાર મહેશ્વરી(ઉ.વ.૮) મોત અને પિંકીબેન રાઠી(ઉ.વ.૩૦), લલિતાબેન જગદીશભાઇ રાઠી(ઉ.વ.૪૫), સીમાબેન ચોડક(ઉ.વ.૩૦) અને જતીન મહેશ્વરી(ઉ.વ.૧૩) ગવરીબેન મહેશ્વરી(ઉ.વ.૬૦) અને ચાર્વી ચોડક(ઉ.વ.૫)ને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.