રાજ્ય સરકાર એક વર્ષમાં ૩૫ હજાર ભરતી કરશે

795

રાજ્ય સરકાર વર્ષ ૨૦૧૯-૨૦માં વધુ ૩૫ હજાર સરકારી જગ્યા પર ભરતી કરશે. વર્ષ ૨૦૧૮માં માત્ર ૧૫ હજાર જેટલી જગ્યાઓ ભરાતા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવાતા સરકારે આચારસંહિતા ઊઠતાની સાથે જ પ્રક્રિયાઓ શરૂ કરવા માટે ભરતી એજન્સીઓને તાકીદ કરી છે. રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે હજુ ૪.૧૬ લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૪૮,૯૬૦ બેરોજગારો છે.

વર્ષ ૨૦૧૪માં ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડીને સરકારમાં વિવિધ વર્ગમાં ૨.૫૩ લાખ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. છેલ્લા ૫ વર્ષમાં ૧.૧૮ લાખ જગ્યાઓ ભરાઇ છે. દર વર્ષે નિવૃત્તિની સામે ખાલી પડનારી જગ્યાઓને ધ્યાને લઇને કેલેન્ડર બહાર પડાયું હતું, પરંતુ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૫૦ ટકા જગ્યા પણ ભરાઇ નથી. બીજી તરફ યુવાનો પણ ખાનગીની સરખામણીએ સરકારી નોકરી પર પસંદગી ઉતારતા હોવાથી સરકારે ભરતી પ્રક્રિયામાં ઝડપ લાવવા ભરતી એજન્સીઓને સૂચના આપી છે.

પોલીસ, શિક્ષકો સહિત વર્ગ-૧થી ૩ની ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ કરીને ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં નિમણૂક પત્રો આપી દેવા જણાવાયું છે.ઉપરાંત બોર્ડ નિગમો અને ગ્રાન્ટેડ સંસ્થાઓને પણ ખાલી જગ્યા ઝડપી ભરવાની સૂચના અપાઈ છે.

Previous articleપાલનપુરમાં બે લોડિંગ જીપ-ટવેરા વચ્ચે અકસ્માત : ૩ના મોત, ૬ ઘાયલ
Next articleપાટણ જિલ્લામાં બે અકસ્માતઃ બે વાહન ચાલકોના ઘટના સ્થળે મોત