સાત ચરણની લોકસભા ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન યોજાયુ હતુ. જે સવારે ૭ વાગ્યાથી શરૂ થયુ હતુ. સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું. આ ચરણમાં ૭ રાજ્યોની ૫૯ બેઠકો પર મતદાન થયુ હતુ. જેનું પરિણામ ૨૩ મેએ આવશે.
છઠ્ઠા ચરણમાં સરેરાશ ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે. રાજ્ય પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ૮૦.૧૬ ટકા, દિલ્હીમાં ૫૫.૪૪ ટકા, હરિયાણામાં ૬૨.૪૩ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૦.૯૨ ટકા, બિહારમાં ૫૫.૦૪ ટકા, ઝારખંડમાં ૬૪.૪૬ ટકા અને મધ્ય પ્રદેશમાં ૬૦.૩૧ ટકા મતદાન થયું છે.
આજના ચરણમાં કેન્દ્રીય પ્રધાનો મેનકા ગાંધી અને ડો. હર્ષવર્ધન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ સિંહ યાદવ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને ભાજપના વિવાદાસ્પદ ઉમેદવાર (ભોપાલ, મધ્ય પ્રદેશ) સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા,ગૌતમ ગંભીર,નિરહુઆ,મનોજ તિવારી,મિનાક્ષી લેખી સહિતના કુલ ૯૬૮ ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં સીલ થઇ ગયું છે.
પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કામાં પણ હિંસા જોવા મળી છે. અહીંના ઘાટાલથી ભાજપના ઉમેદવાર પૂર્વ આઈપીએસ અધિકારી ભારતી ઘોષના કાફલા પર હુમલો થયો છે. તેમની ગાડીના કાચ તૂટ્યાં છે. કેશપુર મતદાન કેન્દ્રની બહારે કથિત રીતે તેમની સાથે મારપીટ અને ધક્કામુક્કી થઈ છે. ભાજપે આ ઘટના માટે તૃણુમૂલ કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે આ મામલે જિલ્લા અધિકારી પાસેથી રિપોર્ટ માગ્યો છે.
૨૦૧૪ની લોકસભા ચૂંટણી અને ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીએ દિલ્હીના રાજકીય સમીકરણો બદલાયા જેમાં કોંગ્રેસની વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો. પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ રાજધાનીમાં ગુમાવેલી ઈજ્જત ફરી મેળવવા માટે જોર લગાવી રહી છે.
દિલ્હીમાં અનેક વિસ્તારમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો સામે આવી છે. દિલ્હીના ચાંદનીચોક, સિવિલ લાયન્સ, મટિયા મહલ, યમુના વિસ્તારમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો સામે આવી છે. જે બાદ અનેક મતદારો મતદાન કર્યા વગર પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. કોંગ્રસે આરોપ લગાવ્યો કે મુસ્લિમ વિસ્તારમાં ભાજપે ઈવીએમ સાથે છેડછાડ઼ કરી છે. દિલ્હીમાં સાત સીટો પર મતદાન યોજાયું છે. આ તમામ સીટો પર જોકે, ભાજપનો કબજો છે. પણ અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ છે. તો ચાંદનીચોકમાં પણ ઈવીએમ ખોટવાયા હોવાની વાત સામે આવી છે. એવું સામે આવ્યું કે મતદારો મતદાન કર્યા વગર જ પરત ફર્યા છે. ઈવીએમ ખોટવાતા કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે.