ભરૂચ : પાણી ચોરી કેસમાં પરેશ પટેલની ધરપકડ થઈ

574

ભરૂચમાં પાણી ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસ દ્વારા આખરે ભાજપના સ્થાનિક નેતા પરેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ધરપકડ બાદ ભાજપના નેતાને તરત જામીન પર છૂટકારો મળી ગયો હતો. ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલના પોતાના ખેતરના અંગત તળાવમાં નજીકની નર્મદા કેનાલમાંથી બારોબાર લાખો લીટર પાણી લેવામાં આવ્યું હતુ. જેના કારણે ભાજપના પરેશ પટેલ પર આચારસંહિતાની કલમ- ૪૮૦ હેઠળ નહેરમાંથી પાણી ચોરીના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ધરપકડના થોડાક જ સમયમાં તેમના જામીન થઇ ગયા હતા. જેને લઇ સ્થાનિકોમાં ખાસ કરીને ખેડૂતોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એકબાજુ સમગ્ર રાજયમાં પાણીના ગંભીર જળ સંકટનો મામલો જોરશોરથી ચગ્યો છે ત્યારે બીજીબાજુ, તાજેતરમાં જ ભરૂચમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય એવા પરેશ પટેલ દ્વારા નર્મદા કેનાલમાંથી લાંબી પાઇપ લગાવી લાખો લિટર પાણી બારોબાર પોતાના વિશાળ અંગત તળાવમાં ઠાલવી દીધુ હતું અને જળસંકટના ઉહોપોહ વચ્ચે લાખો લિટર પાણીની ચોરી કરી હતી. એકબાજુ, ખેડૂતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકોને પીવાના પાણીના એક એક ટીપું મળતુ નથી ત્યારે ભાજપના નેતા દ્વારા લાખો લિટર પાણીની ચોરીને લઇ જોરદાર વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આખરે પરેશ પટેલની ધરપકડ કરી હતી.

બીજીબાજુ, પરેશ પટેલે સમગ્ર ઘટના મામલે જણાવ્યું હતું કે, મેં પાણી મેળવા માટે સિંચાઈ વિભાગને અરજી કરી હતી. પરંતુ સિંચાઈ વિભાગ તરફથી કોઇ જવાબ ના મળતા અમે પાણી કેનાલમાંથી પોતાના તળાવમાં ભર્યું હતું. જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો ભરૂચમાં પાણી ચોરીની માહિતી મળતા સિંચાઇ વિભાગના અધિકારીઓ તાબડતોડ રીતે અધિકારીઓ પહોંચ્યા હતા. પાણી ચોરીના આરોપને લઇને બાદમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાજપના નેતા પર લાગેલા પાણી ચોરીના આરોપસર કલમ-૪૮૦ હેઠળ પાણી નહેરમાંથી ચોરવાનો ગુન્હો નોંધી તેમની ધરપકડ કરી હતી, પરંતુ થોડાક જ કલાકોમાં તેઓને જામીન મળી ગયા હતા. જો કે, ગણતરીના કલાકોમાં જ તેમને જામીન મળી જતાં સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી કારણ કે, એકબાજુ, ખેડૂતોને પીવાનું કે ખેતી માટે સિંચાઇનું પાણી સુધ્ધાં મળતું નથી અને બીજીબાજુ, ભાજપ નેતા દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે લાખો લિટર પાણી ચોરી લેવાતાં આવા તત્વો કાયદાના સકંજામાંથી પણ કલાકોમાં છૂટી જાય છે તે વાતને લઇ ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો.

Previous articleશોપિયાંમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર
Next articleરાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદથી ઉત્તેજના