ઓઢવમાં AMC અને પોલીસની ટીમ પર હુમલો કરનારની અટકાયત

1686

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો. ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની ટીમે પોલીસ સાથે મળી ૩૦ જેટલી ગાયોને પકડી હતી. પોલીસ પર હુમલો કરનાર મહિલા-પુરુષોને ટિંગા-ટોળી કરી ઘરમાંથી કાઢી અટકાયત કરી હતી.

ઓઢવમાં આવેલા છોટાલાલની ચાલી અને દર્શના સોસાયટીમાં કોર્પોરેશનની ટીમ રખડતા ઢોર પકડવા પોલીસ બંદોબસ્ત ગઈ હતી. ત્યારે તેમની પર ૫૦ જેટલા લોકોએ હુમલો કર્યો હતો. કોર્પોરેશનનની ચાર ગાડીઓની ચાવીઓ પણ લઈને ઢોરમાલિકો ભાગી ગયા હતા. ઢોર માલિકો દ્વારા કરાયેલા હુમલામાં બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઈજા થઈ હતી. ઘટના બાદ ઝોન-૫ ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઓઢવ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન કરી પોલીસ પર હુમલો કરનાર ૩૦થી વધુ સ્ત્રી-પુરુષોની અટકાયત કરી લીધી હતી. પોલીસે લોકોના ઘરમાં ઘુસી મહિલાઓને ટિંગા-ટોળી અને વાળ પકડીને અટકાયત કરી હતી. ઓઢવ પોલીસે રાયોટિંગ, સરકારી માલ-મિલકતને નુકસાન અને પોલીસ પર હુમલાનો ગુનો નોંધ્યો છે.

Previous articleપ્રેશરવાળી ગેમમાં મુંબઈએ ધીરજથી કામ લીધું : મોહમ્મદ કૈફ
Next articleપાલિકાના ૩૯ વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી