કોલવડા આર્યુવેદ કોલેજ, હોસ્પિટલને ટોબેકો ફ્રી બનાવવા પ્રતિજ્ઞા લેવાઈ

806

તમાકુનું સેવન આરોગ્યને નુકશાન કર્તા છે જ પરંતુ તમાકુ ખાનારાઓ ગમે ત્યાં થુંકીને ગંદકી ફેલાવતા હોય છે. તેનાથી જાહેર તેમજ સરકારી કચેરીઓ સહિત કોઇપણ વિસ્તાર બાકાત રહ્યો નથી. ત્યારે કોલવડાની આર્યુવેદ કોલેજ અને હોસ્પિટલને તમાકુ ફ્રી બનાવવા માટે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને તબિબો સહિત ૩૦૦ જેટલી વ્યક્તિઓએ પ્રતિજ્ઞા લીધી છે.

રાજ્ય સરકાર દ્વારા તમાકુના સેવન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં તેની અમલવારી કરવામાં આવતી નથી. જેને પરિણામે જાહેર, અર્ધસરકારી કે ખાનગી એકમો સહિતના વિસ્તારોમાં ખુલ્લેઆમ તમાકુનું સેવન લોકો કરી રહ્યા છે. ત્યારે જનજાગૃત્તિ કાર્યક્રમ થકી તમાકુના સેવનથી વ્યસનીઓ મુક્ત કરવા જિલ્લા તમાકુ નોડેલ અધિકારી દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે.

કોલવડાની આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલને તમાકુ ફ્રી બનાવવા માટે જિલ્લા આરોગ્યતંત્રના તમાકુ નોડેલ અધિકારી ડો.યોગીતા તુલસીયન દ્વારા તાજેતરમાં અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અવરનેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના તમાકુ નિયંત્રણ સેલના નોડલ અધિકારી કમલેશભાઇ પરમાર ઉપસ્થિત રહીને તમાકુ નિષેધના નિયમો અને તેના અધિનિયમની જાણકારી આર્યુવેદ કોલેજ, હોસ્પિટલના વિદ્યાર્થીઓ, તબિબો સહિત સ્ટાફને આપવામાં આવી હતી.

તમાકુના સેવનથી થતી કેન્સર સહિતની બિમારી અંગેની તલસ્પર્શી માહિતી બી.જે.મેડિકલ કોલેજ અને અમદાવાદ સિવિલના મેડિસિન વિભાગના હેડ ડો.કમલેશ ઉપાધ્યાએ આપી હતી. તમાકુના સેવન કરવાવાળા આર્થિક તેમજ શારિરીક પાયમાલ થઇ જતા હોય છે. આથી જીવનને તમાકુથી ફ્રી કરીને તંદુરસ્ત જીવન જીવવા હોસ્પિટલના સ્ટાફને જાણકારી આપી હતી.

તમાકુ નિયંત્રણના કાર્યક્રમને અંતે એક માસમાં કોલવડાની આર્યુવેદ કોલેજ અને હોસ્પિટલને તમાકુ ફ્રી બનાવવાનું અભિયાન કોલેજના વિદ્યાર્થીઓ, તબિબો તેમજ સ્ટાફે ઉપાડ્‌યું છે. જેમાં કોલેજના ૨૦૦ વિદ્યાર્થીઓ, ૧૦૦ હોસ્પિટલનો સ્ટાફ સહિત કુલ ૩૦૦ લોકોએ કોલેજ અને હોસ્પિટલને તમાકું ફ્રી બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી. જેના માટે કોલેજના કેમ્પસમાં પ્રવેશતી તમામ વ્યક્તિઓની તપાસ કરીને તમાકુ અને તમાકુ યુક્ત મસાલો સહિતનો મુદ્દામાલ જપ્તને જ પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Previous articleઅંજાર-મુંદ્રા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકના મોત
Next articleપ્રાંતિયા ગામમાં નજીવી બાબતે દલિત યુવક પર હુમલો કરી ૭ આરોપી ફરાર