મોડાસા અને પ્રાંતિજમાં દલિત વરઘોડા અટકાવવા મુદ્દે તંગ સ્થિતિ વચ્ચે પ્રાંતીયા ગામે દલિત યુવક પર હુમલાની ઘટના બની છે. લગ્ન પ્રસંગે જમણવાર ચાલુ હોવાથી ગામના બે યુવકોને બાઈક ધીમુ ચલાવાનું કહેતાં દલિત યુવક પર સાત શખસે હુમલો કરી જાતીવિષયક શબ્દો બોલીને યુવકને માર મરાતા ડભોડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ થઈ છે. ઘટનાને પગલે ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આખો દિવસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આઝાદીના આટલા વર્ષે પણ દેશમાં હજુ પણ કેટલીક જ્ઞાતિઓને નાતજાતના ભેદભાવથી આઝાદ નથી કરાયા. જેનું તાજુ ઉદારણ ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામે જોવા મળ્યું છે. પ્રાંતિયા ગામે રોહીતવાસમાં રહેતો રાજેશ દલપતભાઈ પરમાર (૨૫ વર્ષ)ના પરિવારમાં પત્ની અને બે વર્ષની પુત્રી છે. માતા-પિતાના મોત બાદ એકલા રહેલો યુવક પ્રાઈવેટ ઓફિસમાં ઓફીસ બોય તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે.
રવિવારના રોજ પાડોશમાં રહેતાં રાહુલ પરમારમાં લગ્ન હોવાથી શનિવારે સાંજના સુમારે જમણવાર અને ગરબાનો કાર્યક્રમ હતો. રાત્રે સાડા આઠ વાગ્યે જમણવાર ચાલુ હતો તે સમયે ગામના બે છોકરા કૌશિક લાલાજી અને હેમીલ અરવિંદજી બાઈક પર પુરઝડપે આવતા હતા. જેથી રાજેશે બાઈક ધીમે ચલાવાનું કહેતાં ઉશ્કેરાયેલા બંને યુવકોએ જાતીવિષયક શબ્દો બોલી ‘તુંપ.. થઈ અમને કેમ કહીં શકે’ કહીં માણસો બોલાવાની ધમકી આપી જતા રહ્યાં હતા. જે બાદ રાત્રે સાડા દશ વાગ્યાના સુમારે યુવક ગામના મંદિર પાસે ઉભો હતો ત્યારે ધમકી આપીને ગયેલા બંને યુવકો ચારથી પાંચ માણસો સાથે આવ્યા હતા. જેઓ યુવક પર હુમલો કરતાં માથામાં પાઈપ મારી દીધી હતી. યુવકીને જાતીવિષયક શબ્દો બોલીને મારમારતા તેને છોડાવા વચ્ચે પડેલા ગામના જશવંતભાઈ નટવરભાઈ પરમારને પણ હુમલાખોરોએ મારમાર્યો હતો.
હુમલાને પગલે યુવકને માથામાં લોહી નીકળતું હોવાથી ૧૦૮ મારફતે તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. જ્યાં માથામાં ત્રણ ટાંકા આવેલા હોવાથી યુવકને સારવાર બાદ રજા અપાઈ હતી. યુવકે સાત શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા કેસની વધુ તપાસ એસસી-એસટી સેલના ડીવાય એસપી બી. જે. ચૌધરીને સોંપાઈ છે.