મોડાસા તાલુકાના ખંભીસર ગામે રહેતા દલિત ડાહ્યાભાઈ પૂંજાભાઈ રાઠોડના પુત્ર જયેશ રાઠોડના લગ્નનો વરઘોડો કાઢવા મુદ્દે થયેલા બે કોમ વચ્ચે ઘર્ષણ થયા બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ત્યાર બાદ સાબરકાંઠા અને અરવલ્લી એમ જિલ્લાની આખી પોલીસને ગામમાં ખડકવામાં આવી હતી. તેમજ દલિત યુવાનનો વરઘોડો કાઢવાના વિરોધને લઈ સમગ્ર રાજ્યમાં પ્રત્યાઘાત પડ્યા છે.
ખંભીસર ગામે રહેતા દલિત જયેશ રાઠોડના લગ્નનો વરઘોડો કાઢવા મુદ્દે એક અઠવાડિયા અગાઉ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવી હતી. જેમાં જણાવ્યું હતું કે રવિવારે કેટલાક અસામાજિક તત્વો વરઘોડો ન કાઢવા દેવા માટે પ્રયત્ન કરે તેવી આશંકા છે. જેથી વરઘોડામાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. આ દરમિયાન ગામમાં એક સમાજ દ્વારા શાંતિ માટે રવિવારે જ ચાર જગ્યાએ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ જે રસ્તા પર વરઘોડો નીકળવાનો હતો એવી ચારેય જગ્યાએ હવન ચાલુ હતો.
ગઈકાલે(૧૨ મે) સાંજે ચાર વાગ્યે PI, 6 PSI અને ૫૦થી વધુ કર્મચારીનો બંદોબસ્ત સાથે જયેશનો વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન વિરોધ કરનાર અન્ય સમાજના લોકોએ માર્ગો પર હવન અને મહિલાઓએ ભજન શરૂ કર્યા હતા. જેથી પોલીસે મહિલાઓને હટી જવા માટે કહ્યું અને વરઘોડો કાઢનાર પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો.
જો કે પોલીસની સમજાવટ છતાં એકેય પક્ષ માન્યા નહોતા. બીજા રસ્તે વરઘોડો કાઢતા ત્યાંથી પણ જવા દીધો ન હતો. રાતે આઠ વાગ્યે અંધારું થતાં બે પક્ષને પોલીસ સમજાવતી હતી ત્યારે ધક્કામુક્કી થઈ હતી અને ત્યાર બાદ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેને પગલે બે જિલ્લાની પોલીસનો કાફલો બોલાવવો પડ્યો અને આજે ૧૭ કિલો મીટર સુધી બંદોબસ્ત ગોઠવી જાનને માડી ગામ સુધી પહોંચાડી હતી. આ દરમિયાન રેન્જ આઈજી પણ સતત જાનની સાથે રહ્યા હતા