પિત્રોડાને જાહેરમાં માફી માંગવા રાહુલ ગાંધીએ કરેલું સ્પષ્ટ સૂચન

545

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનને લઇને ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. પોતાના ગુરુ સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસની મુશ્કેલી સતત વધ્યા બાદ આજે પ્રચાર દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. સાથે સાથે કહ્યું હતું કે, સામ પિત્રોડાને આ પ્રકારના નિવેદન કરવામાં શરમ આવવી જોઇએ. જાહેરમાં માફી માંગવા માટે પણ રાહુલ ગાંધીએ કહ્યું છે. રાહુલ ગાંધી આ મુદ્દે માત્ર સ્પષ્ટતા કરતા જ નજરે પડ્યા ન હતા બલ્કે સામ પિત્રોડાને જાહેરમાં માફી માંગવા માટે પણ કહ્યું હતું. સામ પિત્રોડાના નિવેદનને લઇને કોંગ્રેસ પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સામ પિત્રોડા પોતાના નિવેદન બદલ પહેલાથી માફી માંગી ચુક્યા છે. રાહુલ ગાંધીએ ફતેગઢ સાહીબમાં રેલી દરમિયાન કહ્યું હતું કે, શામ પિત્રોડાએ ૧૯૮૪માં સીખ વિરોધી રમખાણ અંગે જે કંઇ નિવેદન કર્યું છે તે બિલકુલ ખોટુ અને અયોગ્ય નિવેદન છે. આના માટે સામ પિત્રોડાએ માફી માંગવી જોઇએ. ફોન કરીને પણ આ અંગેની માહિતી સામ પિત્રોડાને આપવામાં આવી છે.

રાહુલે કહ્યું હતું કે, તેઓએ સામ પિત્રોડાને કહ્યું છે કે, આપને નિવેદન બદલ શરમ આવવી જોઇએ. સાથે સાથે જાહેરમાં માફી માંગવી જોઇએ. રાહુલે આ પહેલા પોતાના ફેસબુક પોસ્ટમાં પિત્રોડાના નિવેદનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. ફેસબુક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પિત્રોડાએ પણ જે કંઇપણ કહ્યું છે તે અયોગ્ય છે અને આના માટે માફી માંગવી જોઇએ. આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ આ વિવાદથી બચવાના પ્રયાસ કર્યા હતા અને કહ્યું હતું કે, સામ પિત્રોડાના નિવેદન અંગત નિવેદન છે. રાહુલે આગળ કહ્યું હતું કે, ૧૯૮૪ એક બિનજરૂરી હોનારત જેવી ઘટના હતી. આનાથી ખુબ પીડા થઇ હતી. ન્યાય ચોક્કસપણે થવો જોઇએ. જે લોકો ૧૯૮૪ની હિંસામાં દોષિત છે તેમને દંડ કરવામાં આવે તે જરૂરી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ માફી માંગી ચુક્યા છે. સોનિયા ગાંધી પણ માફી માંગી ચુક્યા છે. અમારી સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે કે, ૧૯૮૪માં જે પ્રકારની ઘટનાઓ બની હતી તે પ્રકારની ઘટનાઓ બનવી જોઇએ નહીં. ચૂંટણી માહોલમાં વિવાદ છેડાયા બાદ સામ પિત્રોડાએ પણ માફી માંગી લીધી હતી અને કહ્યું હતું કે, તેમની હિંદી ભાષા સારી નથી જેથી તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું નથી. વડાપ્રધાન મોદીને એક નવો હથિયારો મળી ગયો છે. મોદીએ પોતાની દરેક રેલીમાં આ મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો છે જેથી કોંગ્રેસ ઉપર તીવ્ર દબાણ આવ્યું છે. મોદીએ હરિયાણા અને પંજાબમાં દરેક રેલીમાં સામ પિત્રોડાના નિવેદન ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે. મોદી કહેતા આવ્યા છે કે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા કહી ચુક્યા છે કે, ૧૯૮૪માં જે કંઇપણ થયું તે કોઇ ચિંતાજનક બાબત ન હતી. ૧૯૮૪ રમખાણોને હુઆ તો હુઆ જેવા શબ્દો કહીને વિવાદ જગાવ્યો હતો.

Previous articleઆઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો : કમલ હાસનનું નિવેદન
Next articleનામદારોનું મિશન માત્ર મોદીને પરાજિત કરવા માટેનું છે : મોદી