જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો, ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામેન સહિતના મીડિયાકર્મીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને હુમલાની ઘટનાને લઇ સમગ્ર મામલો હવે બહુ ગરમાયો છે અને રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજયના વિવિધ જિલ્લાઓમાં પત્રકારો દ્વારા પોલીસના અમાનવીય હુમલા અને શરમજનક કૃત્યના વિરોધમાં ન્યાયની માંગણી સાથે પત્રકારો દ્વારા ધરણાં અને ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ દેખાવો યોજવામાં આવ્યા હતા.
બીજીબાજુ, રાજયના ગૃહપ્રધાન દ્વારા આ મામલે ડીજીપીને તપાસના આદેશો જારી કરાયા હતા પરંતુ પત્રકારો પર હુમલાની ઘટનાને ૨૪ કલાકથી વધુનો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી નહી થતાં સમગ્ર રાજયના પત્રકાર આલમ અને સ્થાનિક જનતામાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજયના જુદા જુદા સ્થળોએ પત્રકારો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ પોલીસના હુમલાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણાં-દેખાવો યોજી જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેકટર, મામલતદાર સહિતના સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર સુપ્રત કરી કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા ઉગ્ર માંગણી કરી હતી. તો, બીજીબાજુ, જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર અને રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો. ભીમસેનાના કાર્યકર્તાઓએ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
ભીમસેનાના કાર્યકરોએ દલિતો પર અત્યાચાર બંધ કરો અને પત્રકાર પર અત્યાચાર બંધ કરોના જોરદાર નારા લગાવ્યા હતા. તો, સ્થાનિક નાગરિકો પણ પત્રકારો પર પોલીસ દ્વારા હુમલાના વિરોધમાં સામેલ થયા હતા અને પોલીસ પર ફિટકાર વરસાવ્યો હતો. ૧૫૦ ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી પોલીસની ગુંડાગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરી હતી. આ સાથે જ રાજકોટ-સૌરાષ્ટ્રના મીડિયાકર્મીઓએ પણ જૂનાગઢમાં પત્રકારો પર હુમલા મામલે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને જવાબદાર પોલીસકર્મીઓને પહેલા બદલી કરી પછી તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. દરમ્યાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોએ આ સમગ્ર મામલે રાજયના ગૃહ સચિવને પત્ર પાઠવી લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું છે કે, રવિવારે પત્રકારો પર થયેલા હુમલા મામલે સરકાર તટસ્થ તપાસ કરાવે અને કસૂરવાર પોલીસના જવાનો વિરૂદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
રીપોર્ટર અને કેમેરામેન પર થયેલા હુમલા વિરુદ્ધ ભીમ સેના દ્વારા વિરોધ પ્રદર્શન
જૂનાગઢમાં ટેમ્પલ બોર્ડની ચુંટણીનું કવરેજ કરતા ન્યુઝ ચેનલના કેમેરામેન અને રીપોર્ટરને કવરેજ કામગીરી અટકાવી તેમને રોકવાનો પ્રયાસ કરતા મીડિયા કર્મીઓએ પોતાની ફરજ ચાલુ રાખી હતી અને ભડકેલી પોલીસે રીપોર્ટર અને કેમેરામેન પર લાકડીઓ વરસાવી હતી. જેના પગલે રાજકોટમાં સોમવાર સવારે ભીમ સેના દ્વારા પત્રકારો પર થયેલા દમનના વિરોધમાં હોસ્પિટલ ચોક ખાતે ચક્કાજામ કરીને સુત્રોચાર સાથે ઉગ્ર દેખાવ કર્યો હતો. જૂનાગઢમાં રીપોર્ટર અને કેમેરામેન પર જે રીતે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો તેના પગલે ભીમ સેના દ્વારા રાજકોટના હોસ્પિટલ ચોક ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ કરતા પોલીસે ભીમ સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી. હાલ સૌરાષ્ટ્રભરમાંથી પત્રકારો અને કેમેરામેન જૂનાગઢ ખાતે મોટી સંખ્યામાં પહોંચી ગયા છે અને પોલીસ સામે કડક પગલા લેવા માગ કરી રહ્યા છે.
લોકશાહીની ચોથી જાગીર એવી મીડિયા ઉપરના હુમલાના વિરોધમાં રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર શહેરના નાગરિકો દ્વારા કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. વીરમગામમાં પણ પત્રકાર મિત્રોએ આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત રાજયમા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા
જૂનાગઢની ઘટના બાદ અમદાવાદના ઓઢવમાં પોલીસનો બરબર ચહેરો સામે આવ્યો છે. ગુજરાત પોલીસ હવે પ્રજાની નહીં પરંતુ ગુડાઓની બની ગઇ છે. ગુજરાત પોલીસ જાણે પોતાને સર્વસ્વ માનીને ખાખી વર્દીનો ખોફ રાજ્યની ભોળી જનતાને બતાવી રહી છે. પત્રકારો પર હુમલા અંગે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અને તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. પત્રકારો પર પોલીસ લાઠીઓ વીંઝે છે તે તદ્દન અયોગ્ય છે.
આ મામલે ૨૪ કલાક બાદ પણ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી એક શબ્દ પણ બોલ્યા નથી તે ખુબ જ દુખદ છે. આ મામલે પોલીસની ભૂમિકા કેમેરામાં કેદ થઇ છે છતા હજુ સુધી આરોપીઓ વિરૂદ્ધ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી માફી માગે અને ગુજરાતની જનતાને જવાબ આપે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પત્રકાર લોકો સુધી સમાચાર પહોંચાડતા હતા ત્યારે પોલીસે લાઠીઓ વીંઝી છે. આ મામલે મુખ્યમંત્રીએ આ બનાવ અંગે ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ અને મુખ્યમંત્રીએ પત્રકારોની બનાવ અંગે માફી માગવી જોઈએ.