બરવાળાના જુના નાવડા ગામે પીવાના પાણીનો કકળાટ

1560

બરવાળા તાલુકાના જુના નાવડા ગામે ગ્રામજનોને છેલ્લા એક મહિનાથી પાણી નહિ મળતા મહિલાઓને દૂર દૂરથી માથે બેડા ઉચકી પાણી ભરવા જવુ પડી રહ્યુ હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના કારણે તંત્ર પ્રત્યે ઘેરો રોષ વ્યાપી ગયો હતો.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું જુના નાવડા ગામ આશરે ૮૦૦૦ થી વધુ વસતી ધરાવતુ ગામ છે આ ગામના મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમજ ખેત મજુરી છે આ ગામના પાણીશેરી,વાઢેળા રોડ, મફત પ્લોટ સહીતના અમુક વિસ્તારોના રહિશોને પીવાના તેમજ ઘરવપરાશના પાણીની સમસ્યાએ છેલ્લા એક મહિનાથી કાળો કહેર વરસાવી દીધો છે  જુના નાવડા ગામના અમુક વિસ્તારોના રહિશોને પીવાનુ તેમજ ઘરવપરાશનું પાણી છેલ્લા એક મહિનાથી મળતું ન હોવાથી મહિલાઓને પાણી માટે ગામમા વલખા મારવા પડી રહ્યા છે.આ ગામની મહિલાઓ દ્વારા માથે બેડા ઉપાડી વાડી વિસ્તારમાં તેમજ આજુબાજુમાં પાણી આવતું હોય ત્યાં પાણી ભરવા જવુ પડી રહ્યુ છે આ અંગે પાણીથી વંચીત ગ્રામજનો દ્વારા જુના નાવડા ગ્રામ પંચાયત કચેરી,તાલુકા પંચાયત કચેરી,પાણી પુરવઠા કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ હોવા છતા પાણીના વિકટ પ્રશ્નનું નિરાકરણ કરવામાં તંત્ર સતત નિષ્ફળ નિવડતા તંત્ર પ્રત્યે ઘેરા રોષ સાથે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી.

બરવાળા તાલુકાના જુના નાવડા ગામમા ઉનાળાની ઋતુમાં કાળજાળ ગરમી વચ્ચે પાણી નહિ મળવાના કારણે પાણીનો કાળો કંકાસ થવા પામ્યો છે તેમજ ગામની મહિલાઓ,વૃધ્ધાઓ સહિતના લોકોને માથે બેડા ઉચકી પાણી ભરવા માટે દુર સુધી જવું પડી રહ્યું હોવાના કારણે

મહિલાઓ દ્વારા તંત્ર ઉપર રોષ ઠાલવવામાં આવ્યો હતો.જ્યારે નાવડા ગામના લોકોએ પાણીની મુશ્કેલી અંગેનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

પાણીનું નિરાકરણ આવતું નથી

અમારા ગામના પાણી શેરી,વાઢેળા રોડ તેમજ સરદાર આવાસ મફત પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી મળતુ નથી તેમજ પાણી માટે મહિલાઓને માથે બેડા ઉપાડીને વાડી વિસ્તારમાં જવુ પડે છે અમે અમારા પ્રશ્ન અંગે પાણી પુરવઠા બોર્ડ તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓને રજુઆત કરેલ છે પણ પાણી મળવા અંગે નિરાકરણ આવતુ નથી.

– હરેશભાઈ મકવાણા : રહીશ

પાણી નહીં મળે તો આંદોલન

અમારા ગામમાંથી આખા સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ અમારા ગામના અમુક વિસ્તારોમાં પાણી મળતું નથી જે અંગે તંત્રને લેખિત,મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે છતાં પાણી મળતું નથી જો પાણી નહિ મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

– ભાવસંગભાઇ ચૌહાણ : રહીશ

પ્રશ્નનો ઝડપી ઉકેલ લવાશે

જુના નાવડા ગામે પાણી શેરીના થોડા ઘરોમાં પાણીનો પ્રશ્ન છે જે ગ્રામ પંચાયત દ્વારા પ્રયત્ન ચાલુ છે કે તમામ ઘરોમાં પાણી મળી રહે અને પ્રશ્નનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે.

– ચંદુભાઈ રાઠોડ : સરપંચ

Previous articleરેલગાડી પર પત્થરો ન ફેંકવા ટ્રેન નજીકના રહીશોને સમજાવાયા
Next articleબાઇક પર લીફ્ટ આપી નશીલો પદાર્થ પીવડાવી દાગીના કઠાવી લેતા બે ઝડપાયા