ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભાવનગર જિલ્લો હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં છે. ગ્રામ્ય પંથકમાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. ત્યારે માલધારીઓ પોતાના પશુધન માટે પાણી અને ઘાસચારા માટે પશુઓને બચાવવા માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં માલધારીઓને ઘાસચારો આપવા અને કેટલ કેમ્પ શરૂ કરવાની માંગ સાથે માલધારીઓ દ્વારા રબારી સમાજ સેવા ટ્રસ્ટનાં બેનર તળે અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લો હાલ દુષ્કાળની સ્થિતિમાં છે ત્યારે ગાંમડાઓમાં હાલ ઘાસચારો તેમજ પાણી છે નહીં, માલધારીઓ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં છે. પશુ-ધન મરી રહ્યું છે. તેઓ પોતાના માલ ઢોર-પશુઓને બચાવવા વલખા મારે છે. તેને બચાવવા માલધારીઓ હિજરત કરી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં ભાવનગર જિલ્લામાં દરેક ગામડાઓમાં ઘાસચારાનું વિતરણ કરવામાં આવે તેમજ અછતગ્રસ્ત જાહેર કરેલા તાલુકાઓ શિહોર, વલ્લભીપુર, ઉમરાળા આ ત્રણેય તાલુકાના સેન્ટરમાં શિહોર ગણાય છે. તો શિહોરમાં કેટલ કેમ્પ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાયેલ. હાલ જે ફોરેસ્ટ રેન્જ વીડીમાંથી ખુબ મોટા પ્રમાણમાં ઘાસચારો જે બીજા જિલ્લાઓમાં જઇ રહ્યો છે. તે રોકી તાત્કાલીક ધોરણે ભાવનગર જિલ્લાઓમાં ફાળવવામાં આવે તેવી રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રમુખ ભગવાનભાઇ મકવાણા, મંત્રી વી.એસ.ઉલ્વા સહિત આગેવાનો જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. અને અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.