પદ્માવત ફિલ્મના રિલીઝ અંગેના સુપ્રીમકોર્ટના આજના ચુકાદાને લઇ ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ખાસ કરીને રાજપૂત સમાજમાં સુપ્રીમકોર્ટના આ ચુકાદાને લઇ અને ફિલ્મની રિલીઝને મળેલી લીલીઝંડીને લઇ ચોતરફ વિરોધનો વંટોળ ફુંકાયો છે. ગુજરાતમાં પણ આજે સાંજે બાવળા-બગોદરા હાઇવે પર રાજપૂત સમાજના સેંકડો કાર્યકરો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી જય ભવાની…જય ભવાની..ના સૂત્રોચ્ચાર કરી હાઇવે પરનો ટ્રાફિક ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને મામલો થાળે પાડયો હતો. રાજયમાં રાજપૂત સમાજના જલદ આંદોલનની શરૂઆત જોતાં જ એક તબક્કે ખુદ રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ પદ્માવત ફિલ્મને લઇ સુપ્રીમકોર્ટના ચુકાદાના અભ્યાસ બાદ આગળની કાર્યવાહીની હૈયાધારણ આપી રાજપૂત સમાજને હાલની પરિસ્થિતિમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજપૂત સમાજને જાહેર અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત એ શાંતિપ્રિય રાજય છે અને આપણે સૌકોઇએ શાંતિ જાળવવાની ફરજ છે. સુપ્રીમકોર્ટે પદ્માવત ફિલ્મના રિલીઝ અંગે જે ચુકાદો આપ્યો છે તેનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકાર આગળનો નિર્ણય કરશે. સુપ્રીમકોર્ટે જે વચગાળાનો સ્ટે આપ્યો છે તે મુદ્દે પણ ખાસ અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરીશું. જો કે, ત્યાં સુધી રાજપૂત સમાજ અને કરણી સેનાએ રાજયમાં શાંતિ જાળવવી જોઇએ તેવી મારી જાહેર અપીલ છે. પદ્માવત ફિલ્મ રિલીઝની સુપ્રીમકોર્ટે લીલીઝંડી આપી દેતાં રાજપૂત સમાજ ખાસ કરીને કરણી સેનાના સેંકડો કાર્યકરો અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રસ્તાઓ પર ઉમટી આવ્યા હતા અને ફિલ્મના રિલીઝ સામે વિરોધ કર્યો હતો. અમદાવાદમાં બાવળા-બગોદરા હાઇવે પર કરણી સેના અને રાજપૂત સમાજના સેંકડો કાર્યકરો ઉમટી પડયા હતા અને હાઇવે પર જાહેરમાં માર્ગમાં વચ્ચોવચ્ચ મોટા ટાયરો સળગાવી રોડ બ્લોક કરી દીધા હતા અને ટ્રાફિક ચક્કાજામ કરી નાંખ્યો હતો. કરણી સેના અને રાજપૂત સમાજે સાફ ચીમકી ઉચ્ચારી હતી કે, રાણી પદ્માવતીના ઇતિહાસ અને પાત્ર સાથે તોડમરોડ કરી છેડછાડ કરી પૈસા કમાવવાના આશયથી રજૂ થઇ રહેલી આવી ફિલ્મને કોઇપણ સંજોગોમાં અમે રિલીઝ નહી થવા દઇએ. જો ફિલ્મ રિલીઝ થશે તો, રાજપૂત સમાજ અને કરણી સેના આંદોલન કરશે.
‘પદ્માવતી’ ના પ્રતિબંધ અંગે સૂપ્રીમ કોર્ટના ચૂકાદાની સમીક્ષા કરવામાં આવશેઃ પ્રદિપસિંહ જાડેજા
ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં કહ્યું હતું કે રાજ્યમાં ‘પદ્માવતી’ના વિરોધને પગલે તેના પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો પણ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા મૂકવામાં આવેલા ચૂકાદાને પગલે તેની સમીક્ષા કરવામાં આવશે. ફિલ્મ ‘પદ્માવત’ મામલે પ્રદિપસિંહે કહ્યું હતું કે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે મૂકવામાં આવ્યો છે. સૂપ્રીમ કોર્ટના ચૂકાદાની સમીક્ષા કરવામાં આવશે. સરકાર દ્ગારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ‘પદ્માવતિ’માં ભારતીય સંસ્કૃતિને તોડી મરોડીને રજૂ કરાઈ હતી. તેનો કરણી સેના દ્વારા વિરોધ કરાતાં, રાજ્યમાં કાયદો અને અનુશાસનની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે વચગાળાનો સ્ટે આપવામાં આવતાં, ચુકાદાનો અભ્યાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.