ભાવનગર શહેરનાં વડવા-અ વોર્ડમાં આવેલા મુસ્લિમ વિસ્તારોમાં હાલમાં રમઝાન માસ ચાલતો હોવા છતાં પીવાના પાણીનાં ધાંધીયાથી ત્રસ્ત બની કોંગ્રેસની આગેવાની હેઠળ વિસ્તારની મહિલાઓ દ્વારા વડવા બાપેસરા કુવા ખાતે સુત્રોચ્ચારો સાથે માટલા ફોડ્યા હતા. અને પાણી આપવા માંગણી કરવામાં આવી હતી.
રમઝાન માસ શરૂ થતા પૂર્વેજ વડવા-અ વોર્ડમાં આવેલા મુસ્લિમ વિસ્તારોમાં નિયમિત, પૂરતું પાણી આપવા મહાપાલિકામાં લેખીત તથા મૌખિક રજુઆતો કરવામાં આવી હોવા છતાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાણી અનિયમિત અપાતા આજે કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદી સહિત કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં દરબારી કોઠાર, વડવા બાપેસરા કુવા, સીદીવાડ, કાછીયાવાડ, માઢીયાફળી, અમીપરા, વરતેજીયા ફળી સહિતના વિસ્તારનાં બહેનો એક્ઠા થયા હતા અને તંત્ર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને માટલા ફોડ્યા હતા. તગડો કરવેરો વસુલતી ભાવનગર મહાપાલિકા ઉનાળાની કાળઝાળ ગરમી સાથે રમઝાન માસમાં પાણી પૂરવઠો આપવામાં નિષ્ફળ ગઇ હોય લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તાત્કાલીકનાં ધોરણે વડવા વિસ્તારમાં પૂરતા પ્રેશરથી નિયમિત પણે પાણી આપવા ઉગ્ર માંગણી કરી હતી.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન અનવરખાન પઠાણ, અબ્દુલ રજાક કુરેશી, જેતુનબેન પઠાણ, અફઝલખાન પઠાણ સહિત આગેવાનો સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.