આંકલાવમાં આવેલી માધ્યમિક કેળવણી મંડળ શાળામાં ધો.૫થી ૮નો પરણિત શિક્ષક ધર્મેન્દ્રસિંહ કિરણસિંહ પરમાર (ઉ.વ. ૨૫, રહે. આસોદર) કેટલાક વર્ષોથી અહીં ફરજ બજાવે છે.
આજ શાળાની ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને ૭મીના રોજ બપોરના ૨ વાગ્યા બાદ ભગાડીને લઇ ગયો છે. મોડી સાંજ સુધી વિદ્યાર્થિની ઘરે ન આવતાં તેમના પરિવાર જનોએ સંગાસંબંધીને ત્યાં તપાસ કરી હતી. તેમ છતાં તેનો કોઇ પતો લાગ્યો ન હતો. તે દરમિયાન ઘરમાંથી વિદ્યાર્થિની સહીવાળી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું મને માફ કરજે મમ્મી હું જાવ છું મને શોધતા નહીં હું પાછી નહીં આવું તેવી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.
ચર્ચા તો એવી પણ છે કે યુવતી નવમા ધોરણમાં હતી ત્યારથી જ આ શિક્ષકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બાબતે સંસ્થાને જાણવામાં આવ્યું હતું કે આ લંપટ શિક્ષકની ફરીયાદ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. આ અંગે આંકલાવ હાઇસ્કૂલના મંડળે જણાવ્યું કે અમને પણ પોલીસ ફરિયાદ થઈ ત્યારે જ ખબર પડી. સંપૂર્ણ તપાસ કરી દોષિત શિક્ષક સામે સખત કાયદેસરનાં પગલાં ભરાશે.