ગાંધીનગરમાં વીજ કનેક્શનના અભાવે ત્રણ બોર નકામા

464

ઉનાળાની ગરમીમાં પાણીની અછતના પોકારોમાંથી પાટનગર પણ બાકી રહી શક્યું નથી. મ્યુનિ. પેરીફરી હસ્તકના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ છે.

જૂના અને નવા સેકટરોમાં ઓછા ફોર્સથી પાણી મળવાની સમસ્યા રોજિંદી બની છે. પાણીની અછતને નિવારવા માટે નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠો આપવાની સાથે બોરની મદદ પણ લેવામાં આવે છે. બોરની મદદથી પાઈપલાઈન મારફતે ઘર સુધી પાણી પહોંચાડવાની કામગીરી નિયમિત ધોરણે હાથ ધરવામાં આવે છે. પાણી પુરવઠામાં વિક્ષેપ ના પડે તે હેતુથી જરૂરિયાત મુજબ નવા બોર પણ સતત બનતા રહે છે. પાટનગર યોજના વિભાગે સેકટર-૮, ૧૭ અને ૨૪માં નવા બોર બનાવ્યા છે, પરંતુ પાછલા એક વર્ષથી બોરને વીજ કનેક્શન ન મળ્યું હોવાથી લાખો રૂપિયા એળે જાય તેવું જોખમ છે.

એજ્યુકેશન હબની સાથે વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં વધારાના કારણે પાટનગરમાં સતત વસતી વધી રહી છે. તેની સાથે પાણીની જરૂરિયાતમાં પણ વધારો થાય છે. જેના કારણે પાછલા કેટલાક સમયથી જૂના અને નવા સેકટરોમા ઓછા ફોર્સથી પાણી મળતું હોવાની ફરિયાદો વધી છે. મ્યુનિ. કોર્પોરેશનની રચના બાદ પણ ગાંધીનગરમાં પાણી અને ગટરની જવાબદારી પાટનગર યોજના વિભાગ હસ્તક છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી પુરવઠાને નિયમિત રાખવા માટે સેકટર-૮, ૧૭ અને ૨૪માં નવા બોર બનાવ્યા હતા, જેના માટે રૂ. ૪૦ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. નવા બોર બન્યા બાદ તેમાં વીજ કનેક્શન અપાય તો સ્થાનિક વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી બનવાની અપેક્ષા છે. ગત વર્ષે બોર બનતાંની સાથે જ કોર્પોરેશન દ્વારા પાટનગર યોજના વિભાગને બોર સોંપી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ  પાટનગર યોજના વિભાગે વીજ કનેક્શન આપવા માટે વીજ કંપની સમક્ષ રજૂઆત કરી હતી. જો કે હજુ સુધી વીજ કનેક્શન મળ્યું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાટનગર યોજના વિભાગે વીજ કનેક્શન માટે તાજેતરમાં કંપનીને રીમાઈન્ડર પણ મોકલ્યું હતું. વીજ કંપનીએ બોર નજીક સબ સ્ટેશન બનાવવા માટે જગ્યાની માગણી કરી હતી, પરંતુ સરકારમાંથી આ અંગે નિર્ણય નહીં લેવાતા વીજ કનેક્શન અપાયું નથી.

Previous articleદહેગામમાં પ્રદૂષિત પાણીથી ૨૦થી વધુ લોકોને ઝાડા-ઊલટી
Next articleગુટલીબાજ તલાટીઓ સામે દહેગામ ટીડીઓની લાલ આંખ